ગુજરાતટોપ ન્યૂઝ

નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો, સ્વતંત્ર દિવસ પૂર્વે અનોખો નજારો જોવા મળ્યો

Text To Speech

છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે ફરીથી જામી રહ્યું છે ત્યારે ગુજરાતના પાડોશી રાજ્યોમાં પણ વરસાદી માહોલ છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી એવી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી સતત ડેમમાં પાણીની આવક થઇ રહી છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યો. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પર પ્રવાસીઓએ પણ માણ્યો નયનરમ્ય નજારો.

હાલ નર્મદા ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સતત પાણીની આવકને કારણે ડેમની જળ સપાટી 134.82 મીટરે પહોંચી છે. ડેમનું રૂલ લેવલ મેન્ટેઇન કરવા માટે 10 દરવાજા ખોલી 30 હજાર ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે..નર્મદા નદીમાં ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે.

વરસાદી માહોલ વચ્ચે નર્મદા જિલ્લામાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાતપુડા અને વિંદ્યાચલની ગિરીકન્દ્રા વચ્ચે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ વચ્ચે પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નયન રમ્ય નજારો માણવા લોકો દુર દુરથી આવી રહ્યા છે.

ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી

બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી છે. જેના પગલે પાણીની જાવક પણ ઘટાડાઇ છે. હાલ ઉકાઈ ડેમમાંથી 1.28 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના પગલે તાપીમાં પાણી છોડવાનું ઓછું કરાતા સુરત મનપાને મોટી રાહત મળી છે. કારણ કે ઉકાઇ ડેમમાં ગઈકાલ સુધી 1.84 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું. તાપી નદીમાં પાણીની સ્તર વધતા આસપાસના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યાં હતા. જો કે હવે ઉકાઈ ડેમની હાલની સપાટી 335.28 ફૂટ છે અને સુરતનો વિયર કમ કોઝવે 9.13 મીટરની સપાટીએ વહી રહ્યો છે.

Back to top button