- 4 લાખ બેકારો સામે માંડ 16000 ની ભરતી
- શિક્ષકોમાં કરાર આધારીત નિમણુંકોનાં વલણથી નવી ચિંતા
- યુવાનોને નવા ભરતી કેલેન્ડરની રાહ
રાજયમાં એક તરફ લાખો યુવાનો બેરોજગાર છે ત્યારે સરકારના વિવિધ વિભાગોમાં સેંકડો જગ્યાઓ ખાલી છે છતાં સરકાર દ્વારા મોટાપાયે ભરતીની જાહેરાત કરાઈ રહી નથી. રાજય સરકારે 2014 માં જાહેર કરેલા ભરતી કેલેન્ડરની મુદત હવે 2023 માં પૂર્ણ થઈ રહી છે ત્યારે નોકરી ઈચ્છુક ઉમેદવારો સરકાર કયા વિભાગમાં ભરતીઓ જાહેર કરે છે. તેની રાહ જોઈને બેઠા છે. જેથી તેને લગતી તૈયારી શરૂ કરી શકાય. સરકારમાં સૌથી વધુ ભરતી પંચાયત અને ગૃહ વિભાગમાં થવાની છે. તેમાં કયાં સંવર્ગમાં કેટલી ભરતી થશે તેની વિગતો વહેલી તકે જાહેર કરવા પણ ઉમેદવારો માંગણી કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં રોષ ઠલવાયો
સરકારમાં તાજેતરમાં શિક્ષક જેવા આવશ્યક પદ માટે પણ કાયમીનાં બદલે કરાર આધારીત ભરતીનું વલણ અપનાવાયું તેના કારણે અન્ય વિભાગોમાં પણ સરકાર કેવી રીતે ભરતી કરશે તેને લઈને યુવા વર્ગમાં ચિંતા શરૂ થઈ છે. જે સોશ્યલ મિડિયામાં વ્યકત પણ થઈ રહી છે. તે મુજબ જ્ઞાન સહાયકની ઉચ્ચક પગાર આધારીત ભરતી કરશે કે કેમ તેની આશંકા છે. પંચાયત, પોલીસ સહીત સરકારી વિભાગોમાં નિવૃતિ કે રાજીનામાના કારણે જેટલી જગ્યાઓ ખાલી પડે છે તેની સામે સરકાર દર વર્ષે કેટલી ભરતી જાહેર કરે છે અને કેટલી જગ્યા ખરેખર ભરે છે તેની વિગતો બહાર પાડવા પણ માંગણી કરાઈ છે.
10 વર્ષમાં સરેરાશ વાર્ષિક 16 હજારથી 17 હજાર જેટલી ભરતી
રાજય સરકાર દ્વારા મે મહિનામાં આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર પ્રસિધ્ધ કરાશે તેવી સતાવાર જાહેરાત કરાઈ હતી. વિવિધ વિભાગનાં માંગણા પત્રક પણ મંગાવ્યા હતા તેના આધારે નવી ભરતીની પ્રક્રિયા શરૂ કરાનારી હતી. જે વહેલી તકે પૂર્ણ કરીને વિભાગ દીઠ કેટલી ભરતી કરાશે અને તેની પરીક્ષા વગેરેની વિગતો પણ જાહેર કરવી જોઈએ તેવી લાગણી ઉમેદવારોએ વ્યકત કરી છે. રાજયમાં સરેરાશ 4 લાખથી વધુ ઉમેદવારો નોંધાતા હોય છે તેની સામે સરકારે 10 વર્ષમાં સરેરાશ વાર્ષિક 16 હજારથી 17 હજાર જેટલી ભરતી કરી હોવાનો દાવો કર્યો છે.