સોમનાથમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું
સોમનાથ, 23 નવેમ્બર: ભગવાન સોમનાથના સાનિધ્યમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન થઈ ગયું છે. ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને શિબિરાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા AI ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ તકે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
આ કાર્યક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધિત કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 2003થી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે ગુજરાત મોડેલ સ્ટેટ બન્યું છે. પદાધિકારીઓ અને અધિકારીઓ એક ટીમ બનીને રાજ્યના વિકાસ માટે, લોકોના ભલા માટે કાર્યરત છે. કર્મયોગના છ સિદ્ધાંતોને જીવનમાં ઉતારી કર્મચારીમાંથી કર્મયોગી બની કામ કરજો. પ્રશાસને એવી પ્રભાવશાળી રીતે કામ કરવાનું છે કે, ખોટું કરનારાના મનમાં ડર રહે. બોનાફાઈડ ઈન્ટેન્શનથી થયેલી ભૂલો સૂધારી શકાશે પરંતુ માલાફાઈડ ઈન્ટેન્શન ચલાવીશું નહીં. ચિંતન શિબિરમાં થયેલા જૂથચર્ચાના વિષયો પર દરેક જિલ્લા સ્તરે ત્રણ-ત્રણ પ્રોજેક્ટ હાથ પર લઈ જિલ્લાને અને રાજ્યને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જઈશું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી લોકકલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપ વિસ્તારથી 100 ટકા લાભાર્થી આવરી લઈ સેચ્યુરેશનના અભિગમ અપનાવવા કરેલા આહવાનને ગુજરાત AIના ઉપયોગથી સર્વગ્રાહી રીતે સાકાર કરવા પ્રતિબદ્ધ છે.” તેમણે ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, “કુપોષણ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી તથા જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં AIનો ઉપયોગ સઘન બનાવવો છે. આ હેતુસર ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સ રચવામાં આવશે અને તેની ભલામણનો અહેવાલ એક મહિનામાં ટાસ્કફોર્સ આપે તેના આધાર પર AI અને ડેટા એનાલિસિસથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની રાજ્ય સરકારની નેમ છે.”
વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે: CM
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2003થી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે અનેક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ આવ્યા છે. જેના પગલે ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ તથા ગ્રોથ એન્જિન બન્યું છે. એટલું જ નહીં. આ શિબિરો ટેક્નોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેક ઓફ પ્લેટફોર્મ બની છે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન- મંથનથી જે ચર્ચા-વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, “ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ એક બનીને ટીમ તરીકે કામ કરીને ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહ્યાં છે. સરકારી તંત્રએ એવી અસરકારક ભૂમિકા નિભાવવી જોઈએ કે, ખોટું કરનારાના મનમાં તંત્રની બીક રહે.” તેમણે એમ પણ ઉમેર્યું કે, “બોનાફાઈડ ઈન્ટેન્શનથી થયેલી ભૂલો ચલાવી શકાય પરંતુ માલાફાઈડ ઈન્ટેન્શનને કોઈ કાળે ચલાવી લેવાશે નહીં.”
મુખ્યમંત્રીએ કર્મયોગના છ સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને કર્મચારીમાંથી કર્મયોગી બનીને કામ કરવાની પ્રેરણા આપતા કહ્યું કે, આ સિદ્ધાંતો એકબીજા સાથે પરસ્પર એવા જોડાયેલા છે કે, કોઈ એક સિદ્ધાંતને જો વ્યક્તિગત જીવનમાં ઉતારે તો તેની અસર સમગ્રતયાં વ્યક્તિત્વ અને કતૃત્વ પર પ્રભાવશાળી રીતે પડે જ.
ભૂપેન્દ્ર પટેલે કોઈપણ પ્રકારની નકારાત્મકતા સામે સકારાત્મક અભિગમ અપનાવવાની પ્રેરણા આપતા કહ્યું કે, “સરકાર ખૂબ મહત્ત્વપૂર્ણ ઉપયોગી પ્રજાલક્ષી કામગીરી કરતી જ હોય છે ત્યારે તેની જાણકારી લોકોને સમયસર મળતી રહે અને સોશિયલ મીડિયાના સમયમાં કોઈપણ માહિતી ઝડપથી ફેલાય છે ત્યારે, ખોટી વાતોની સામે સકારાત્મક અને સાચી વાતો લોકો સુધી જલદીથી પહોંચે તેવું દાયિત્વ આપણે સૌએ નિભાવવાનું છે.” સમાજમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે કોઈપણ ઘટના બની ગયા પછી તેને તાત્કાલિક સુધારવા અને ભવિષ્યમાં એવી કોઈ ભૂલ ના થાય એ માટેનો અભિગમ કેળવીને કામ કરવા મુખ્યમંત્રીએ પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યું કે, આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં જે જૂથચર્ચા સત્રો યોજાયા હતાં તેમાં રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા, સરકારી સેવાઓમાં સંતૃપ્તિ, પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાન જેવા ચાર મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન થયું છે, તેની ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મુકવા. તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું કે, દરેક જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓ પોતાના જિલ્લામાં આ ભલામણોમાંથી ત્રણ પ્રોજેક્ટ નક્કી કરીને તેના પર ઝડપથી કાર્યવાહી કરે અને સમયાંતરે તેની પ્રગતિની સમિક્ષા પણ કરતા રહે. વિકાસલક્ષી કોઈપણ કામગીરીમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ આગળ વધવા મુખ્યમંત્રીએ ખાસ આગ્રહ રાખ્યો હતો.
ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સરકાર સુધીની કડીમાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ચાવીરૂપ છે ત્યારે, ગ્રામ્યસ્તર અને સરકાર વચ્ચે કોઈપણ પ્રકારનો ગેપ ના રહી જાય તે જોવા પણ મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, રોજિંદી વહીવટી કામગીરીમાં કે વિવિધ પ્રક્રિયાઓમાં ક્યાંક અર્થઘટનના પ્રશ્નો કે કોઈ સમજ ફેરના પ્રશ્નો થતા હોય ત્યારે તેનું સામૂહિક ચિંતન કરીને, આવા પ્રશ્નો ઉકેલવાની દિશામાં ચિંતન શિબિરો દિશાદર્શક બની છે.
મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત ચિંતન કરતા રહીને ગુજરાતને વિકાસમાં અગ્રેસર બનાવવું. ચિંતન એ માત્ર શિબિર નહીં પણ નિયમિત અને વ્યક્તિગત જીવનની પ્રક્રિયાનો ભાગ હોવો જોઈએ એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું
આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ચિંતન શિબિરના સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા. ચિંતન શિબિરના સમાપન સમારોહમાં નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવઓ, અગ્ર સચિવઓ, સચિવઓ અને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ જુઓ: ગુજરાતઃ એક વર્ષમાં 3.52 લાખ ભારતીયો, 3300થી વધુ વિદેશીઓએ આ સ્થળની મુલાકાત લીધી, તમે ક્યારે જશો?