ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષસ્પોર્ટસ

એશિયન પેરા ગેઇમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા બે દિવ્યાંગ ખેલાડીઓને રાજ્ય સરકાર આપશે નોકરી

  • ગોલ્ડ મેડલ વિનર પ્રજ્ઞા ચક્ષુ યુવા દર્પણ ઇનાણીની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ ૧ તરીકે નિયુક્તિ થશે
  • બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર પ્રજ્ઞા ચક્ષુ ખેલાડી હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ-૨ તરીકે નિયુક્તિ મળશે

ગાંધીનગર, 5 જાન્યુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એશિયન પેરા ગેઇમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓની વિશેષ સિદ્ધિને બિરદાવી તેના ગૌરવ સન્માન રૂપે રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ તરીકે નિમણૂક આપવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે.

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અમલી ગુજરાત ખેલકૂદ નીતિ-2016 અન્વયે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તદઅનુસાર, ઓલીમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેઇમ્સમાં મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને પુરસ્કાર ઉપરાંત રાજ્ય સરકારની વર્ગ ૧ અને વર્ગ-૨ની જગ્યા ઉપર નિમણૂકની ઓફર પણ આપવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સંદર્ભમાં તાજેતરમાં 2023ની એશિયન પેરા ગેઇમ્સમાં ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેસની રમતમા ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત બે દિવ્યાંગ પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.

આ બે દિવ્યાંગ ખેલાડીઓમાં ચોથી એશિયન પેરા ગેમ્સની પુરુષો માટેની ચેસની રમતમાં ગોલ્ડ મેડલ વિજેતા દર્પણ સતીશ ઇનાણી અને એ જ રમતોત્સવમાં મહિલાઓ માટેની ચેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર સુશ્રી હિમાંશી ભાવેશભાઈ રાઠીનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ પ્રજ્ઞા ચક્ષુ યુવાન દર્પણ સતીશ ઇનાણીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-૧ તરીકે નિમણૂક આપવાની અનુમતિ આપી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રજ્ઞા ચક્ષુ હિમાંશી ભાવેશભાઈ રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ ૨ તરીકે નિમણૂક આપવા મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આવી વિશ્વ સ્તરીય રમત ગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા પ્રતિભા સંપન્ન ખેલાડીઓને રાજ્ય સરકાર માં નિમણુક આપવાના અપનાવેલા આ અભિગમ ને પરિણામે વધુ ને વધુ ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળશે.

આ પણ વાંચો :- નફ્ફટ યુનુસ સરકારનો વધુ એક ભારત વિરોધી નિર્ણય, જાણો હવે શું કર્યું

Back to top button