ખેડૂતોના મુદ્દા પર રાજ્ય સરકારે વ્યક્ત કરી ચિંતા, જરૂરી રાહત મળી રહે તેના માટે શું કરવામાં આવી રહી છે વ્યવસ્થા ?
વિધાનસભા ગૃહમાં ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં અપાતી સબસીડી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી આ સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે. ખેડૂતોના પ્રશ્નો અને તેના સમાધાન ઉપરાંત તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસીડી આપવામાં આવી રહી છે. રાજ્યના ત્રણ જિલ્લાઓ જામનગર, સુરત અને કચ્છના 4,57,329 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ.1762.80 કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.
જામનગર જિલ્લાના ખેતીવાડી વીજ ગ્રાહકોને અપાયેલી સબસીડી અંગે માહિતી આપતા મંત્રીએ ઉમેર્યું કે, 31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં બે વર્ષમાં કુલ 2,17,598 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.376.45 કરોડની સબસીડી આપવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં કુલ 1,07,753 ખેતીવાડી વીજ ગ્રાહકોને અને વર્ષ 2022માં કુલ 1,09,845 ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજબીલમાં સબસીડી આપવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2021માં રૂ.172.55 કરોડ અને વર્ષ 2022 માં રૂ.203.90 કરોડની સબસીડી આપવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતની આ મોટી કંપનીએ 85% સ્થાનિકોને રોજગાર આપવાના નિયમનો ભંગ કર્યો
આ ઉપરાંત મંત્રીએ સુરત જિલ્લામાં અપાયેલી સબસીડીની વિગતો આપતા વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં બે વર્ષમાં 1,14,790 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.190.57 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં કુલ 56,926 ખેતીવાડી વીજ ગ્રાહકોને અને વર્ષ 2022 માં કુલ 57,864 ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજબીલમાં સબસીડી આપવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2021માં રૂ.85.97 કરોડ અને વર્ષ 2022 માં રૂ.104.60 કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
તેવી જ રીતે કચ્છ જિલ્લામાં બે વર્ષમાં 1,24,941 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.1195.78 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં કુલ 61,701 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.549.24 કરોડ સબસીડી ચૂકવવામાં આવી છે. જ્યારે વર્ષ 2022 માં કુલ 63,240 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.646.54 કરોડની સબસીડી વીજબીલમાં આપવામાં આવી હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.