ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા એરફિલ્ડથી બનાસકાંઠા- પાટણનો સિતારો ચમકી ઉઠશે : નરેન્દ્ર મોદી

Text To Speech

પાલનપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો’22 માં ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યાંથી તેમણે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાંણી ગામ ખાતે 4500 એકરમાં રૂપિયા 1000 કરોડના ખર્ચે નિર્માણ પામનારા એરફિલ્ડનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું.આ પ્રસંગે નાંણી ખાતે યોજાયેલા એક સમારોહમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ અને ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી સહિત સૈન્યની ત્રણેય પાંખોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ એરફિલ્ડ ના નિર્માણથી હવે બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો સિતારો ચમકવાનો છે. તેમને ડીસા વાસીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતું કે, ડીસાના લોકો ઉત્સાહથી ભરેલા જણાઈ રહ્યા છે. ડીસા એર ફિલ્ડનું નિર્માણ દેશની સુરક્ષા માટે અને આ ક્ષેત્રમાં વિકાસ માટે મહત્વની ઉપલબ્ધિ છે. ડીસા આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિલોમીટર દૂર છે. ડીસામાં બની રહેલા આ એરફિલ્ડ હતી હવે પશ્ચિમી સીમા ઉપર કોઈપણ દુ:સાહસનો મજબૂતીથી જવાબ આપી શકાશે. નરેન્દ્ર મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, હવે બનાસકાંઠા અને ડીસાનો સિતારો ચમકવાનો છે.

એરફિલ્ડ-humdekhengenews

 નાંણી ખાતે એરફિલ્ડનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રી

આ એરફિલ્ડના વિકાસ માટે અગાઉની સરકારોએ દાખવેલી ઉદાસીનતા અંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તરફથી વર્ષ 2000માં ડીસામાં જમીન ફાળવાઇ હતી. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે તેના નિર્માણ માટે પ્રવાસ કરેલો અને તત્કાલીન સરકારોને વારંવાર તેનું મહત્વ સમજાવતો હતો. આટલી મોટી જમીન ફાળવાઇ હોવા છતાં 14 વર્ષથી અહીંયા કંઈ જ કામ થયું ન હતું. જ્યારે અમારી સરકાર આવ્યા બાદ આ કામને હાથ ઉપર લીધું અને ઓપરેશનલ બેઝ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેનાથી સેનાની અપેક્ષા આજે પૂર્ણ થઈ રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ ડિફેન્સ ક્ષેત્રે દેશ આત્મ નિર્ભર બની રહ્યો હોવાનું જણાવી કહ્યું કે, જ્યાં સુધી ડિફેન્સ ક્ષેત્રમાં ઉપલબ્ધ હશે તેવા જરૂરીયાત મુજબના પાર્ટ્સ સ્વદેશી જ ખરીદવામાં આવશે, અનિવાર્ય સંજોગોમાં જ વિદેશથી મંગાવાશે. તેમને ઉમેર્યું હતું કે, દેશના યુવાનો ઉપર મને પૂરો ભરોસો છે જેઓ આ ક્ષેત્રમાં પણ તેમની કાબેલિયત પુરવાર કરશે.

એરફિલ્ડ-humdekhengenews

હવે કબૂતરની ચિત્તો છોડતો દેશ

પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર આડકતરો ઇશારો કરી દીધો હતો કે, ભારત દેશ હવે કબૂતર નહીં પણ ચિત્તો છોડતો દેશ છે. તે ડિફેન્સ ક્ષેત્રે સક્ષમ બની રહ્યો છે. દેશ સામે કોઈ પણ દુ:સાહસ કરશે તો તેનો જડબાતોડ જવાબ મળી શકે છે.
4518 એકરમાં બનશે એરફિલ્ડ

ડીસા નજીક આવેલા નાંણી ગામમાં બની રહેલા એર ફિલ્ડ માટે રૂપિયા 1000 કરોડનો ખર્ચ થનાર છે. જેના માટે નાણી ગામની આસપાસની 4518 એકર જમીન વર્ષ 2000માં સંપાદન કરવામાં આવી હતી. આ એરફિલ્ડના નિર્માણથી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો સર્જાશે. જ્યારે સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની પશ્ચિમી સરહદો પર જમીન અને સમુદ્ર પર એક સાથે ઓપરેશન કરવા તથા અમદાવાદ, વડોદરા જેવા મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્રોની નિર્ણાયક હવાઈ સુરક્ષા પણ મજબૂત બનશે.

એરફિલ્ડ-humdekhengenews

દેશ અને દુનિયામાં ભારતની ઇજ્જત વધી

આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શાસનની ધૂરા સંભાળ્યા પછી દેશમાં ઇતિહાસ રચાયો છે. તેમણે ભૂતકાળની સરકારોના કામોની આલોચના કરતાં જણાવ્યું કે, વર્ષ-2014 પહેલાં દેશમાં ભ્રષ્ટાચાર, ડર અને નિરાશાનો માહોલ હતો, દેશનું વાતાવરણ એવું હતું કે આ દેશનું હવે કોઇ ભવિષ્ય નથી. પરંતું નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા પછી દેશની કાયાપલટ થઇ છે. તેમણે જાતિ, ધર્મ, ક્ષેત્રથી ઉપર ઉઠીને દેશના સર્વાગી વિકાસ માટે કામ કર્યુ છે જેનાથી દેશ અને દુનિયામાં ભારતની ઇજ્જત વધી છે તેમ તેમણે જણાવ્યું હતું.

એરફિલ્ડ-humdekhengenews

ગુજરાતમાં પાંચમાં એરબેઝનો શિલાન્યાસ થયો

નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું કે, વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડીસા એરોફોર્સ સ્ટેશનનું લોકાર્પણ થવાથી ગુજરાતમાં આજે પાંચમાં એરબેઝનો શિલાન્યાસ થયો છે. ગુજરાતની અંદર નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા એરપોર્ટની તર્જ પર તાલુકા મથકોએ હેલિકોપ્ટર ઉતરી શકે એવા હેલીપેડ બનાવવાના છે. તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં વાયુ સેના ભારતની પશ્ચિમી સરહદો પર જમીન અને સમુદ્ર પર એકસાથે ઑપરેશન કરવા તથા અમદાવાદ અને વડોદરા જેવા મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્રોની નિર્ણાયક હવાઇ સુરક્ષા મજબૂત બનાવશે.

એરફિલ્ડ-humdekhengenews

આ પણ વાંચો : સોનિયા અને પ્રિયંકા ગાંધી મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા, પાર્ટીના અધ્યક્ષ બનવા પર અભિનંદન પાઠવ્યા

Back to top button