

આર્થિક સંકટનો સામનો કરી રહેલી શ્રીલંકાની સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. સરકારે પેટ્રોલની કિંમતમાં 40 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. પેટ્રોલના ભાવમાં ઘટાડાનું એલાન કરતા ઉર્જા મંત્રી કંચન વિજયશેખરે કહ્યું કે તેની નવી કિંમત હવે પ્રતિ લિટર 410 શ્રીલંકન રૂપિયા હશે. કટ પહેલા પેટ્રોલ 450 રૂપિયા શ્રીલંકાના ભાવે વેચાઈ રહ્યું હતું.

ડીઝલ હવે પેટ્રોલ કરતા મોંઘુ
સરકારના આ પગલાને કારણે દેશમાં પહેલીવાર પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થયું છે. શ્રીલંકામાં ડીઝલની કિંમત હજુ પણ 430 શ્રીલંકન રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે. જાહેર પરિવહન માટે ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે. સાથે જ જે વાહનોનો ઉપયોગ વેપારીઓનો માલ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઈ જવા માટે થાય છે તેમાં ડીઝલનો વપરાશ પણ વધુ છે.
કોને રાહત, કોને આંચકો
પેટ્રોલના ભાવમાં ઘટાડાથી સામાન્ય લોકોને સીધી રાહત મળશે, પરંતુ વેપારીઓની મુશ્કેલી હજુ પણ યથાવત છે. આવા લોકો માટે ડીઝલના ભાવમાં ઘટાડો ન કરવો એ આંચકા સમાન છે. જો કે સરકારના આ નિર્ણય બાદ લંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને પણ કહ્યું છે કે તે સરકારના ભાવ સ્તર અનુસાર પેટ્રોલના ભાવમાં ઘટાડો કરશે.
તમને જણાવી દઈએ કે શ્રીલંકા સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને અહીં મોંઘવારી ઐતિહાસિક સ્તરે છે. સપ્ટેમ્બરમાં ફુગાવો વધીને 69.8% થયો હતો જે ઓગસ્ટમાં 64.3% નોંધાયો હતો. ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સ્થિતિમાં મોંઘવારી પર રાહતની આશા રાખવામાં આવી શકે છે. જો કે શ્રીલંકાની સરકારે માત્ર પેટ્રોલની કિંમતમાં રાહત આપી છે.
આ પણ વાંચો : પૂર્વ પાકિસ્તાની PM ઇમરાન ખાન સામે વોરંટ, કોઈપણ સમયે થઈ શકે છે ધરપકડ