આયર્નથી ભરપૂર પાલકના ઢોકળાનો ખાસ સ્વાદ નહીં ભૂલાય
પાલકને આયર્નથી ભરપૂર માનવામાં આવે છે. જો તમે રોજ પાલકનું શાક ખાઈને કંટાળ્યા છો તો તમે તેમાંથી અનેક વેરાયટી બનાવી શકો છો. પાલકનો સૂપ, પાલકના પરોઠા, પાલકના ઢોકળા પણ તમને નવો ટેસ્ટ આપે છે. જો તમે તમારા બ્રેકફાસ્ટને ડિફરન્ટ બનાવવા ઈચ્છો છો તો તમે આજે પાલકના ઢોકળા ટ્રાય કરો. તમને અલગ ટેસ્ટ મળશે અન સાથે હેલ્થ પણ ટનાટન રહેશે.
પાલક ઢોકળાની સામગ્રી
એક કપ ચણાનો લોટ -બે ઝૂડી પાલક -અડધો કપ દહીં -એક મધ્યમ કદનું આદુ -ત્રણ ચમચી કોથમીર સમારેલી -બે ચમચી તેલ -એક ચમચી લીંબુનો રસ -એક ચમચી ખાંડ -મીઠું સ્વાદ અનુસાર વઘાર માટે -બે ચમચી તેલ -રાઈ -તલ -મીઠો લીમડો -હિંગ -પાણી
બનાવાની રીત
સૌપ્રથમ પાલકના પાન તોડીને જુદા મુકો. પછી તેમા આદુ અને લીલા મરચાં નાંખીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. એક વાડકામાં ચણાનો લોટ, પાલકની પેસ્ટ, દહીં, મીઠું, લીંબુનો રસ, ખાંડ અને તેલ નાંખી સારી રીતે મિક્સ કરો. એ વાતનું ધ્યાન રાખો કે તેમા ગઠ્ઠા ન પડે. મિશ્રણને દસ મિનિટ માટે મુકી રાખો. ત્યારબાદ ઢોકળા બનાવવાના સાંચામાં ઘી લગાવો અને મિશ્રણ નાંખો. પછી ઢોકળાને પંદર મિનિટ માટે સ્ટીમમાં બાફો. અને જ્યારે થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢીને બાજુ પર મુકી દો. હવે પેનમાં તેલ નાંખી ગરમ કરો. તેમા રાઈ, લીમડો, હિંગ, તલ નાંખીને વધાર કરો. પછી ગેસ બંધ કરો અને તેને ઢોકળા પર નાંખી દો. પછી ઢોકળાને ચોરસ કાપી લો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો.