દાહોદમાં સગીરો વચ્ચે થયેલી મારામારીની ધટનાએ પોલીસને ભેખડે ભરાવી
- પત્રકાર અને સંપાદક સામે પણ ફરિયાદ કરવામાં આવી
- IPS છો તો પાયાવિહોણા આક્ષેપવાળી ફરિયાદ પણ પોલીસ નોંધશે
દાહોદ ટાઉનમાં 14 દિવસ પહેલા સગીરો વચ્ચે મારામારીની ઘટના બની હતી. એક બાળકને ગંભીર રીતે માર મારનારા સગીર સામે જ્યારે ફરિયાદ થતી હતી ત્યારે ભલામણોનો વરસાદ વરસ્યો હતો. બાળકને ગંભીર ઇજા થઈ હોવાથી તેના પિતાએ ફરિયાદ કરી હતી. ફરિયાદ રોકાવવા માટે ગુજરાતમાં ફરજ બજાવતા એક IPS અધિકારીએ પણ પોતાની વગનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદી મક્કમ રહેતા પોલીસને ના છૂટકે સગીર સામે ફરિયાદ નોંધવી પડી હતી. પોલીસે નોંધેલી એક FIR સંવેદનશીલના દાયરમાં ન મૂકી અને તેનો લાભ ફરિયાદી તથા તેના પરિવારને મળી ગયો. તાજેતરમાં થયેલી ફરિયાદમાં ભોગ બનનારના કાકા IPS અધિકારી હોવાનું સામે આવ્યું છે.
દાહોદના પોલીસ ઈન્સ્પેક્ટર કિરીટ લાઠીયા પોલીસ કર્મચારીઓ અને પત્રકાર-સંપાદક સામે ગાળો આપવાની, બેરહેમીથી માર મારવાની તેમજ સગીરનું નામ જાહેર કરવાની ફરિયાદ થઈ.આ કેસની તપાસ દાહોદ એસડીપીઓ ડી.આર.પટેલ કરી રહ્યા છે.
પત્રકાર સામે કેમ ફરિયાદ ?
બાળકો વચ્ચે થયેલા ઝઘડાને લઈને દાહોદ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદના આધારે એક અખબારના પત્રકાર તે સમાચાર પ્રકાશિત કરે છે અને તેમાં હુમલાખોર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ક્રોસ કમ્પલેન થતાં ફરીથી તે સમાચાર પ્રકાશિત થાય છે. આથી સગીરની ઓળખ થતી થવાથી પત્રકાર અને સંપાદક સામે પણ ફરિયાદ કરવામાં આવે છે.
ફરિયાદ થતાં જ અમદાવાદ સ્થિતિ એક એજન્સીમાં ફરજ બજાવતા IPS ચર્ચામાં આવી ગયા છે. દાહોદ જિલ્લાથી શરૂ થયેલી ચર્ચા ગાંધીનગર પોલીસ ભવન સુધી પહોંચી ગઈ છે. પોતાની સત્તાનો ઉપયોગ કરીને IPS અધિકારીએ પોલીસને સાણસામાં ફસાવી છે.ફરિયાદ થઈ ત્યારબાદ Online FIR Upload કરતી વખતે તેને સંવેદનશીલ કરવાની રહી ગઈ અને અખબારમાં આ સમાચાર પ્રસિદ્ધ થયા. અખબારમાં સમાચાર આવતા IPS અધિકારીના પરિવારનો અહમ ઘવાયો અને આ મામલે એક અરજી આપી. પોલીસને આપેલી અરજીને IPS સાહેબે ફરિયાદમાં રૂપાતંરિત કરાવી હોવાની પણ એક ચર્ચા છે.
શું હતી ઘટના?
ગત 10 ઓક્ટોબરના રોજ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ બગીચામાં બાળકો વચ્ચે ઝઘડો થાય છે. આ સમયે ત્યાં હાજર ખાનગી કપડા પહેરેલા રવિ માળી નામના પોલીસ કર્મચારી એક બાળકને બોચી પકડી ત્યાંથી દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. પોલીસ સ્ટેશનમાં હાજર PSO પાસે બાળકને બેસાડવામાં આવતા તેઓ તેનો બેલ્ટ, કડુ, પાકિટ અને મોબાઈલ ફોન લઈ લે છે અને બાળકને અન્ય આરોપીઓ સાથે લોકઅપમાં પુરી દે છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર બાળક પોલીસ કર્મચારીને કહે છે કે, હું સગીર વયનો છું. તમે મારા માતા-પિતાને જાણ કરો. તને 3 કલાક રાખીશું તેમ કહી પોલીસ કર્મચારી બાળકને ગાળો આપે છે. 15-20 મિનિટ બાદ બાળકને લોકઅપમાંથી બહાર કાઢી પીઆઈ ચેમ્બરમાં લઈ જાય છે.
જ્યાં PI કિરીટ લાઠીયા ગાળો આપીને 50-60 પટ્ટા ફટકારે છે. સગીરને તેના પિતા અને કાકાને ગાળો બોલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સગીરે ગાળો બોલવાની ના પાડતા તેને 250-300 ઉઠ-બેસ કરાવી હતી અને વચ્ચે રોકાઈ જતા તેને ફરી પટ્ટા ફટકાર્યા હતા તેમજ વાળ પકડી દિવાલ સાથે સગીરનું માથું બે-ત્રણ વાર ભટકાવ્યું હતું. સગીરને અંધારિયા રૂમમાં પૂરી દેવાનો પણ આરોપ સગીરના પિતાએ ફરિયાદમાં લગાવ્યો છે. આ મામલાની જાણ થતાં ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે તેમ છતાં તેમની ક્રોસ કમ્પલેનપોલીસ નોંધતી નથી અને મધ્યરાત્રિના 1 વાગે બાળકને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાય છે. ઈજાગ્રસ્ત સગીરને પોલીસ સ્ટેશનેથી મુક્ત કરવામાં આવતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો અને તેને સારવાર અપાવી ઘરે લઈ જવાયો હતો કારણ કે બીજા દિવસે સગીરની પરીક્ષા હતી.
આ પણ વાંચો, દાણચોરીથી દેશમાં આવ્યું 2,000 કિલો સોનું, નેપાળ-બાંગ્લાદેશ જોતા રહ્યા