એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝવિશેષ

નડિયાદના રિક્ષાચાલકના દીકરાએ ધોરણ 10માં 95% હાંસલ કર્યા, યુટ્યુબમાંથી દાખલાની પ્રેક્ટિસ કરી 99 માર્ક્સ લાવ્યો

Text To Speech

વિકી રાજપૂત, નડિયાદઃ ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ આ તો આપણે સૌએ સાંભળ્યું જ છે. પરંતુ નડિયાના ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીએ આ પંક્તિ સત્ય સાબિત કરી બતાવી છે. ઓટોરિક્ષાચાલકના આ દીકરાએ ધોરણ 10 બોર્ડમાં 95.66 ટકા મેળવ્યા છે અને 99.88 પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યા છે અને માતા-પિતા સહિત તેના પરિવારનું નામ રોશન કર્યું છે. તો ચાલો તેની પાસેથી જ જાણીએ તેની આ અભૂતપૂર્વ સિદ્ધિનું રાઝ શું છે?

ધ્રુવ આ સ્કૂલમાં 1થી 10 ધોરણ સુધી ભણ્યો હતો

ધ્રુવ રાવળ ડાકોર રોડ પાસે આવેલી સ્વામી વિવેકનંદ હાઇસ્કૂલમાં ધોરણ 1થી ભણતો હતો અને ત્યાંથી જ ધોરણ 10 પાસ કર્યું છે. ધ્રુવના પિતા નીતિનભાઈ રાવળ છેલ્લા 15 વર્ષથી રિક્ષા ચલાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. નડિયાદના ફતેપુરા રોડ પર આવેલા શ્રીકૃષ્ણ રો-હાઉસમાં રહેતા ધ્રુવ રાવળે ધોરણ 10ની બોર્ડ એક્ઝામમાં વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ સિક્યોર કર્યા છે. આ સિવાય સ્ટાન્ડર્ડ મેથ્સ, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં 99 ગુણ મેળવ્યા છે. ગુજરાતીમાં 89 અને અંગ્રેજીમાં 88 માર્ક્સ મેળવ્યા છે. છે ને ગર્વની વાત!

ધ્રુવ આ વિશે વાત કરતા કહે છે કે, ‘અહીં સુધી પહોંચવા માટે મેં ખૂબ જ મહેનત કરી છે. દરરોજ હું 6થી 8 કલાક વાંચતો હતો. પરીક્ષાના દિવસોમાં તો રાતે પણ વાંચવું પડતું હતું. આ સિવાય સ્કૂલ અને ક્લાસિસ મેનેજ કરવાનું તો અલગ.’

ધ્રુવના રિઝલ્ટની તસવીર

યુટ્યુબમાંથી દાખલાની પ્રેક્ટિસ કરતો હતો
આ વિશે વાત કરતા ધ્રુવ જણાવે છે કે, ‘મેં સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હતું. તેથી થોડું અઘરું પડે. મોટેભાગે ગણિતની તૈયારી યુટ્યુબમાંથી કરતો હતો. યુટ્યુબમાં મેથ્સના વીડિયો જોતો હતો. ત્યારબાદ તેમાંથી સમજીને દાખલાની પ્રેક્ટિસ કરતો હતો. મેથ્સને સરળ બનાવવામાં યુટ્યુબે મને બહુ જ મદદ કરી છે. હું યુટ્યુબ વીડિયોમાંથી ઘણું બધું શીખ્યો છું.

મોટેભાગે સાંજે વાંચવાનું પ્રિફર કરતો હતોઃ ધ્રુવ
ધ્રુવ બોર્ડ એક્ઝામની તૈયારીના પ્લાનિંગ વિશે જણાવતા કહે છે કે, ‘પ્રોપર માર્ક્સ મેળવવા માટે પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. સ્માર્ટવર્ક જરૂરી છે. મેં તૈયારી કરવા એક ટાઇમટેબલ બનાવ્યું હતું અને હું તેને કોઈ ચૂક વગર ફોલો કરતો હતો. વળી, બપોરના સમયે 2થી 4 વાગ્યા સુધી મેથ્સની પ્રિપેરેશન કરતો અને સાંજે મોટેભાગે વાંચવાનું પ્રિફર કરતો હતો. તેમાંય રવિવારે આખો દિવસ જુદા-જુદા વિષયોની તૈયારી કરતો. આ સિવાય જાતે જ પોતાની પરીક્ષા લેતો હતો.’

કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સપનું
ભવિષ્ય વિશે વાત કરતા ધ્રુવ કહે છે કે, ‘મારે ક્મ્પ્યુટર એન્જિનિયરિંગ કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં આગળ વધવું છે. મને એમાં વધારે રસ છે. હાલમાં ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસ માટે નડિયાદની વિઝન સ્કૂલમાં એડમિશન લીધું છે.’

ધ્રુવ તેના પિતા સાથે

મારા દિકરા પર મને બહુ જ ગર્વ છેઃ પિતા
ધ્રુવના પિતા નીતિનભાઈ આ વિશે વાત કરતા કહે છે કે, ‘ધ્રુવના રિઝલ્ટથી હું ખૂબ જ ખુશ છું. એણે અમારા બધાનું નામ રોશન કર્યું છે. અમને બધાને તેના પર બહુ જ ગર્વ થાય છે. મારા બંને દિકરા અને દીકરીએ મારું નામ રોશન કર્યું છે. મેં મારા બાળકોને ભણાવવા માટે દિવસ-રાત મહેનત કરી છે. સવારે 5 વાગ્યાથી રિક્ષા લઈને જઉં તો છેક રાતે 8 વાગ્યે ઘરે આવું. આ બધી પરિસ્થિતિ વચ્ચે મેં ત્રણેય બાળકોના ભવિષ્ય માટે બને તેટલી મહેનત કરી છે. હજુ આગળ પણ તેમના ભણવા માટે આ રીતે જ મહેનત કરીશ. તેમને જેટલું ભણવું હશે તેટલું ભણાવીશ.’

ધ્રુવના મોટાભાઈના 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ
બે દિવસ પહેલાં જ ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું હતું. જેમાં ધ્રુવના મોટાભાઈએ કોમર્સના ત્રણ મેઇન વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા હતા. આમ, કહી શકાય કે બંને ભાઈઓએ ભેગા મળીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

Back to top button