ગુજરાતની આ લોકસભા બેઠકના મતદારોનું મૌન રાજકીય નેતાઓ માટે માથાના દુઃખાવા સમાન
- રેલીને સભામાં નોંધપાત્ર સંખ્યામાં આવતા મતદારો મન કળવા દેતાં નથી
- રેલીમાં ઉપસ્થિત લોકોની સંખ્યાના આધારે હાર-જીત અંગેની આગાહી થઈ શકે તેમ નથી
- આ વખતની ચૂંટણીમાં પણ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન સૌથી સફળ સાબિત થયુ
ગુજરાતની લોકસભા બેઠકના મતદારોનું મૌન રાજકીય નેતાઓ માટે માથાના દુઃખાવા સમાન બન્યુ છે. જેમાં લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે રેલીને સભામાં નોંધપાત્ર સંખ્યામાં આવતા મતદારો મન કળવા દેતાં નથી. તેમાં ભરૂચમાં ઓછામાં ઓછી જાહેરસભા યોજાઈ છે.
આવનાર 7 મી મે ના રોજ ભરૂચ સંસદીય મતવિસ્તારની ચૂંટણી યોજાનાર છે
આવનાર 7 મી મે ના રોજ ભરૂચ સંસદીય મતવિસ્તારની ચૂંટણી યોજાનાર છે. ત્યારે 7 મી મેના મતદાન પહેલા એટલે કે 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવશે. આવી પરિસ્થિતીમાં હવે ભરૂચ લોકસભા બેઠક માટે પ્રચારના દિવસો ખુબ ઓછા રહ્યા છે એમ કહી શકાય. ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના અનેક સ્ટાર પ્રચારકોને ચૂંટણીના પ્રચાર મેદાનમા ઉતારવામાં આવ્યા છે તેની સામે હરીફ પક્ષ દ્વારા ખુબ ઓછી જાહેરસભાઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સભા સ્થળ બદલાયું, જાણો શું છે કારણ
રેલીમાં ઉપસ્થિત લોકોની સંખ્યાના આધારે હાર-જીત અંગેની આગાહી થઈ શકે તેમ નથી
આવી પરિસ્થિતિમાં હાલમાં ભરૂચ બેઠક પર એક એવુ ચિત્ર તૈયાર થઈ રહ્યુ છે કે, ચૂંટણીની જાહેરસભાઓમાં ઉપસ્થિત મેદનીના આધારે અથવા તો રેલીમાં ઉપસ્થિત લોકોની સંખ્યાના આધારે હાર-જીત અંગેની આગાહી થઈ શકે તેમ નથી. ભૂતકાળના ભરૂચ જિલ્લાના રાજકીય ઈતિહાસને જોતા સ્પષ્ટ પણે જણાયુ છે કે, ઘણીવાર જંગી જાહેરસભા અને ખુબ લાંબી રેલી હોવા છતાં જે તે ઉમેદવારની ચૂંટણીમાં હાર થઈ હોય છે. આ બાબતે એમ કહેવાય છે કે, જાહેર સભા કે રેલીમાં ઉપસ્થિત તમામ લોકોનો મત જે તે પાર્ટીને મળે જ તે નક્કી નથી આ બાબત ભરૂચ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચુંટણી હોય તેમાં સાબિત થઈ ચુકી છે. તેથી જ હાલમાં પણ ભરૂચ સંસદીય મતવિસ્તારના મતદારો બધી જ સભાઓમાં અને રેલીઓમાં જઈ રહ્યા છે તેમ છતાં તેઓ કયા પક્ષ તરફે છે તેનો સંકેત આવવા દેતા નથી. મતદારોનું આવુ ભેદી મૌન જે તે ઉમેદવાર અને રાજકીય પક્ષોને અકળાવી રહ્યુ છે જો કે અકળાવનારા દિવસો હવે માત્ર થોડા દિવસો માટે છે એમ લાગી રહ્યુ છે.
ભરૂચ સંસદીય બેઠકની ચૂંટણીમાં ખુબ જ અસરકારક સાબિત થઈ રહી છે
દર વખતની ચૂંટણીની જેમ આ વખતની ચૂંટણીમાં પણ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન સૌથી સફળ સાબિત થયુ છે તેનું કારણ માત્ર એ છે કે, ગણતરીના માણસોને લઈને રાજકીય આગેવાનો જે તે વિસ્તારમાં જઈ ઘરે ઘર ફરી મતદારોની રૂબરૂ મુલાકાત લેતા હોય છે તેમ છતાં આવા પ્રચારમાં ખુબ ઓછો ખર્ચ થાય છે જેના કારણે ડોર ટુ ડોર પ્રચાર પધ્ધતિ ભરૂચ સંસદીય બેઠકની ચૂંટણીમાં ખુબ જ અસરકારક સાબિત થઈ રહી છે.