પોલીસનું દીલધડક ઓપરેશનઃ સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગ કરનાર શૂટર્સ માતાના મઢ પહોંચ્યા

કચ્છ, 16 એપ્રિલ 2024, મુંબઇમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના એપાર્ટમેન્ટ બહાર રવિવારે ફાયરિંગ કરીને ફરાર થયેલા આરોપીઓને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને કચ્છ LCBએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ઝડપી લીધા છે. આ શૂટર્સને ઝડપવા માટે પોલીસે મુંબઇથી ભુજ સુધી અને ભુજથી લઇને માતાના મઢ સુધી દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. સલમાન ખાનના ગેલેક્ષી એપાર્ટમેન્ટ બહાર ગત રવિવારે ફાયરિંગની ઘટનાથી સમગ્ર દેશમાં ચકચાર પ્રસરી ગઈ હતી.ફાયરિંગ કર્યા બાદ બાઇક ઉપર ફરાર થઇ ગયેલા આરોપીઓને શોધવા મહારાષ્ટ્ર પોલીસે આકાશ પાતાળ એક કર્યાં હતાં.બન્ને આરોપીઓ કચ્છ જિલ્લામાં હોવાની બાતમી મળતાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કચ્છ LCBને જાણ કરી હતી. બંને રાજ્યની ટીમોએ આરોપીઓને ગતરાત્રે પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢથી ઝડપી લીધા છે.
આરોપીઓ માતાના મઢ સુધી પહોંચી ગયા હતા
LCBના પી.આઇ. એસ.એન. ચુડાસમાએ મીડિયાને જણાવ્યું હતું કે, મુંબઇ ફાયરિંગ ઘટનાના આરોપી કચ્છમાં હોવાની લીડ મળતાં જ સમગ્ર ટીમ સતર્ક બની તપાસમાં વ્યસ્ત બની ગઈ હતી.આ દરમિયાન આરોપીઓના મોબાઈલ નંબર ટ્રેસ થતા તે ભુજથી નીકળી બપોરે 2.14 મિનિટે માનકૂવા હોવાનું માલૂમ પડતા સિવિલ ડ્રેસમાં પોલીસની ટીમ આગળ વધી હતી. જોકે, આરોપીઓ ફાયરિંગ કરીને નાસી આવ્યા હોવાથી તેમની પાસે વેપન્સ હોવાની પૂરી શક્યતા હતી. તેમનું ચોક્કસ લોકેશન મેળવવા કાર્યવાહી ચાલી રહી હતી, તે સમયે પાછળથી મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ નખત્રાણા આવી પહોંચી હતી.ત્યારબાદ આરોપીઓ માતાના મઢ તરફ હોવાની બાતમી મળી હતી. આરોપીઓને ઝડપવા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને કચ્છ LCBએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું અને બન્ને રાજ્યની ટીમ માતાના મઢના મુખ્ય ધોરીમાર્ગ પર પહોંચી હતી.
નવરાત્રિમાં આરોપીઓને પકડવા ઓપરેશન હાથ ધરાયું
આઠમની રાત્ર હોવાના કારણે માતાના મઢમાં હવન સહિતના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો હોવાથી લોકોની ભીડ પણ હતી. જેથી કોઈ પ્રકારની ભાગદોડ કે નુકસાની ન થાય તે માટે સાતીર આરોપીઓને ઝડપવા પ્લાનિંગ મુજબ બે-બે કર્મીઓની ટીમ બનાવી હતી. આ બાદ આરોપીઓને જરા પણ શંકા ના જાય તે માટે સિવિલ ડ્રેસમાં સામાન્ય વ્યક્તિની જેમ ધોરીમાર્ગ પરથી દોઢ કિલોમીટર મુંબઈના અધિકારીઓ સાથે કચ્છ LCBની ટીમ પદયાત્રી જેવી હાલત બનાવી પગપાળા ચાલી મંદિરે પહોંચી હતી. જ્યાં મંદિર પરિસરમાં આરોપીઓ આરામ કરતા નજરે પડ્યા હતા. જોકે, આ બન્ને એ જ આરોપીઓ છે કે કેમ એની ખરાઈ કરવા એક ટીમે એમની પાસે જઇને બેસીને વાતચીત શરૂ કરી હતી. બાદમાં ખારાઇ થતાં જ પાછળથી અન્ય ટીમે તેમને પકડી લીધા હતા. મૂળ બિહારના વિક્કી ગુપ્તા અને જોગેન્દ્ર પાલ નામના બન્ને આરોપીઓને સાથે લઈ તાલુકા મથક દયાપર સ્થિત પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાંથી ભુજ આવી મુંબઇ ક્રાઈમ બ્રાન્ચના હવાલે કરાયા હતા.
આ પણ વાંચોઃગુજરાત: કથિત જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો