નવી દિલ્હી, 2 ડિસેમ્બર : અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે નવેમ્બર-2023માં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, હવે સમાચાર આવ્યા છે કે સુપ્રીમ કોર્ટ આવતીકાલે એટલે કે, 3 જાન્યુઆરીએ આ મામલે પોતાનો નિર્ણય આપશે. આ માટે કોર્ટે સવારે 10.30 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. તેવામાં હવે કાલનો દિવસ અદાણી ગ્રૂપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે.
સેબી સામેના આરોપો SC એ ફગાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, ગત 24 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી અને ત્યાર બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સેબીની તપાસ અને નિષ્ણાત સમિતિના સભ્યોની નિષ્પક્ષતા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને ફગાવી દીધા હતા.
સેબીએ આ મામલે તપાસ હાથ ધરી છે
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એવું કોઈ તથ્ય નથી જેના કારણે સેબી પર શંકા કરી શકાય. કોર્ટે કહ્યું હતું કે અમે નક્કર આધાર વિના સેબી પર અવિશ્વાસ કરી શકીએ નહીં. અગાઉ, સુપ્રીમ કોર્ટે પક્ષકારોના વકીલોને 27 સપ્ટેમ્બર સુધીમાં કોર્ટ સમક્ષ આ કેસમાં લેખિત દલીલો રજૂ કરવા કહ્યું હતું. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં થયેલા ખુલાસા અંગે અરજદારની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે હિંડનબર્ગ રિપોર્ટને સાચા નિવેદન તરીકે માની શકાય નહીં.
સર્વોચ્ચ અદાલતે વધુમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટની સત્યતા ચકાસવા માટે કોઈ માધ્યમ નથી, જેના કારણે તેણે સેબીને આ મામલાની તપાસ કરવા કહ્યું છે, અને સેબીએ તેનો તપાસ અહેવાલ સુપરત કર્યો છે. આ ઉપરાંત, તે સમયે SC બેન્ચે કહ્યું હતું કે અમારે હિંડનબર્ગ રિપોર્ટને હકીકતમાં સાચો માનવાની જરૂર નથી. બીજી તરફ, પિટિશન દાખલ કરનારાઓએ જણાવ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર સેબીની ગતિવિધિઓ શંકાસ્પદ છે કારણ કે તેમની પાસે 2014થી સંપૂર્ણ વિગતો છે. તેમનો દાવો છે કે ડિરેક્ટોરેટ ઓફ ઈન્ટેલિજન્સ (DRI) એ 2014માં સેબીના ચેરમેન સાથે સંપૂર્ણ વિગતો શેર કરી હતી.
હિંડનબર્ગનો રિપોર્ટ ક્યારે આવ્યો હતો ?
મહત્વનું છે કે 24 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે ગૌતમ અદાણીની તમામ કંપનીઓને લઈને એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જ્યારે અદાણી ગ્રુપે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. આ અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રૂપના તમામ શેરમાં ભારે ઘટાડો થયો હતો અને તેમની મિલકતને પણ ભારે નુકસાન થયું હતું. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને હવે ચુકાદાનો દિવસ પણ આવી ગયો છે.