મકરસંક્રાતિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જીવલેણ ચાઈનીઝ દોરીનું ચલણ પણ રોજ નવી નવી રીતે સામે આવી રહ્યું છે. વાત જો અમદાવાદની કરવામાં આવે તો શહેરના કોટ વિસ્તારમાં જાણે પોલીસ કે સરકારી તંત્રનો ડર જ ના હોય તેમ ચાઇનીઝ દોરીના માફિયાઓ બિન્દાસપણે પોતાનો ધંધો કરી રહ્યા છે. આ દોરીના શોખીન લોકો પણ પોતાના એક બે દિવસના મનોરંજન માટે કેટલાય લોકોના જીવ જોખમામાં નાખે છે.
આ પણ વાંચો : દોરીથી કોઈનું મૃત્યુ કે ઈજા ચલાવી લેવાશે નહિ: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદના કોટ વિસ્તારમાં ચાઇનીઝ દોરીની WHATSAPP અને FACEBOOK ના માધ્યમથી ઓનલાઈન ઓર્ડર લેવામાં આવે છે અને ત્યારબાદ જે લોકો ઓર્ડર આપે તેમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવે છે. શું આ માફીયાઓને પોલીસ કે તંત્રનો જરાય ડર નથી? ચાઇનીઝ દોરીના કારણે દર વર્ષે કેટલાય લોકોનો ભોગ લેવાય છે. સરકાર અને પોલીસ દ્વારા અનેક દાવા કરવામાં આવે છે અને અનેક કામગીરી કરવામાં આવે છે પણ ક્યાંય પણ આ લોકોને જળમૂળથી પકડી પાડવામાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે.
આ ઘાતક દોરીના વેચાણ પાછળ જવાબદાર લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલા માટે જ આ લોકો દર વર્ષે પોતાના ધંધામાં વધારો કરતા રહે છે અને અનેક લોકોના જીવ આમાં જતા હોય છે. પોલીસ અને સરકાર દ્વારા આ બાબતે ગંભીરતાથી પગલાં લેવામાં આવે તો આ ઘાતકી દોરીનો ભોગ બનતા લોકોના જીવ બચાવી શાકાય છે.
આટલા આટલાં દબાણ અને લોકોના ભોગ લેવાઈ રહ્યા છે ત્યારે કેટલાંક પતંગ રસીકોમાં હજી પણ ચાઇનીઝ દોરીની માંગ યથાવત છે. જે પણ એક રીતે ચિંતાનો વિષય છે. સરકાર, પોલીસ સાથે આ દોરીનો વપરાશ કરતા લોકો પણ એટલા જ જવાબદાર છે. પોલીસ દ્વારા સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું ગઠન કરીને આવા માફિયાઓ અને લોકોને પકડી કડક પગલા ભરવામાં આવે તો ભવિષ્યમાં એક સારો દાખલો બેસાડી શકાય છે.