જુનાગઢમાં રોપ વે સેવા રહેશે બંધ, આ કારણે લેવાયો નિર્ણય
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદની આગાહી મુજબ હાલ રાજ્યના અનેક વસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે વહેલી સવારથી જ અનેક શહેરોમાં સામાન્ય કરતા વધારે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે પવનની ગતિ વધુ હોવાથી જુનાગઢમાં રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે.
ગિરનારની રોપ-વે સેવા બંધ
જાણકારી મુજબ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવના કારણે રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ જુનાગઢ પંથકમાં 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે જાન-માલનું નુકસાન ના થાય તે માટે તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે. આજે રવિવાર હોવાથી અહી મોટી સંખ્યામાં રોપ-વેની મુસાફરી માણવા માટે લોકો આવતા હોય છે, પરંતુ રોપ-વેની સેવા પવન વધુ હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પવનની ગતિ ઓછી થતા ફરી કરાશે કાર્યરત
હાલ ભારે પવનને કારણે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જ્યારે પવનની ગતિ ઓછી થશે ત્યારે ફરી એકવાર રોપ-વેની સેવા શરુ કરવામાં આવશે. હાલ જૂનાગઢમાં દર્શનાર્થે આવનારા યાત્રિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રોપ વે સેવા બંધર હેતા યાત્રિકોને સીડી ચઢીને દર્શન માટે જવું પડી રહ્યું છે.
આ પણ વાંચો : બદલાતા વાતાવરણને કારણે રોગચાળો વકર્યો, અમદાવાદમાં ન્યુમોનિયાના કેસમાં વધારો