સુરતમાં નકલી ગન લઇ જ્વેલર્સને લૂંટવા પહોંચેલાં લૂંટારૂઓનો ફિયાસ્કો
- નકલી પિસ્ટલ અને બે ચપ્પુ લઇ લૂંટ કરવા પહોચ્યા ત્રણ લૂંટારુ
- લૂંટ કરવા આવેલા લૂંટારૂઓ આગળ અને ટોળું તેમની પાછળ લાગ્યું
- પોલીસે લૂંટારૂ ઉપરાંત તેને ટીપ આપનાર વેપારીની પણ ધરપકડ કરી
સુરતના કતારગામ મગન નગર-2માં આવેલાં જ્વેલર્સને ત્યાં નકલી પિસ્ટલ અને બે ચપ્પુ લઇ લૂંટ કરવા પહોચેલાં ત્રણનો દુકાનદારે સામનો કરતાં ભાગવું પડયું હતું. નકલી ગન સાથે આવેલી એક ટોળાના હાથમાં સપડાઇ જતાં લોકોએ અધમૂઓ કરી નાંખ્યો હતો. દોડી આવેલી કતારગામ પોલીસે આ લૂંટારૂ ઉપરાંત તેને ટીપ આપનાર વેપારીની પણ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતના વિકાસ પ્રોજેક્ટ્સ પર બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ દર્શાવ્યો સૌથી વધુ વિશ્વાસ
નકલી પિસ્ટલ અને બે ચપ્પુ લઇ લૂંટ કરવા પહોચ્યા ત્રણ લૂંટારુ
સિંગણપોર સહજાનંદ સોસાયટીમાં રહેતાં મુનીકેશ ગુપ્તા કતારગામ મગન નગ૨માં આવેલાં ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં વૈષ્ણોદેવી જ્વેલર્સની દુકાન ધરાવે છે. બુધવારે સવારે નવ વાગ્યાના અરસામાં તેમની દુકાનમાં ત્રણ શખ્સો ઘૂસી આવ્યા હતા. ત્રણ પૈકી એક પાસે પિસ્ટલ અને બીજા બે પાસે ચપ્પુ હતા. ત્રણેયે આ જ્વેલર્સને દુકાનમાં જે દાગીના હતા તે આપી દેવા માટે ધમકાવ્યા હતા. જોકે આ જ્વેલર્સે ડરવાને બદલે સામનો કર્યો હતો. ઝપાઝપીમાં આ દુકાનદારને ચપ્પુ વાગ્યું હતું, પરંતુ દુકાનદારની હિંમત જોઇ લૂંટારૂઓની હવા ટાઇટ થઇ ગઇ હતી. નકલી પિસ્ટલ દુકાનમાં જ ફેંકી લૂંટારૂઓ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: સમય પર રિટર્ન ફાઇલ કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિયેશન દ્વારા કરાઇ આ માગ
લૂંટ કરવા આવેલા લૂંટારૂઓ આગળ અને ટોળું તેમની પાછળ લાગ્યું
લૂંટ કરવા આવેલા લૂંટારૂઓ આગળ અને ટોળું તેમની પાછળ લાગ્યું હતું. નકલી ગનવાળાને ટોળાંએ દબોચી લઇ બેફામ ફટકાર્યો હતો. બનાવ અંગે કતારગામ પોલીસને જાણ થતાં જ ઇન્સપેક્ટર બી. કે. ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ તોફીક નાસીર મકવાણા (રહે, લસકાણા, મહિડા નગર, મુળ રહે, ગારીયાધાર) હોવાનું જણાવ્યું હતું. કતારગામ પોલીસે બાદમાં લૂંટમાં સામેલ અન્ય એક લૂંટારૂ અશોક અમરૂ ઘાકડા અને ટીપ આપનાર પતિક ભુવા (રહે, કતારગામ, જેરામ મોરારની વાડી)ને પણ ઝડપી લીધો હતો.