અમદાવાદગુજરાતટ્રાવેલ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી Ph.D પ્રવેશ પરીક્ષાનું રિઝલ્ટ માત્ર 6 ટકા

Text To Speech
  • નેટ-સ્લેટ પાસ અને પરીક્ષામાં પાસ મળીને માંડ 600 વિદ્યાર્થી: 200થી વધુ બેઠકો ખાલી રહેશે

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા તારીખ 27/08/2023ના રોજ રવિવારે લેવાયેલી પીએચડી પ્રવેશ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે. જેમાં માંડ 100 જેટલા ઉમેદવારો પાસ થતા પ્રવેશ પરીક્ષા પરિણામ માત્ર 6 ટકા જ રહ્યુ છે. જ્યારે અગાઉના નેટ-સ્લેટ પાસ કે જેઓને પરીક્ષાથી મુક્તિ મળી હતી તેઓ અને આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો સાથે માંડ 600ની આસપાસ જ વિદ્યાર્થીઓ આગળની પ્રવેશ પ્રક્રિયા માટે લાયક થયા છે. આમ 200 જેટલી બેઠકો પ્રવેશ પહેલા જ ખાલી રહી છે.

ગુજરાત યુનિ.માં પીએચડી પ્રવેશ માટે આ વર્ષે 2700થી વધુ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા હતા અને જેમાંથી લાયક થયેલા ઉમેદવારોમાંથી નેટ-સ્લેટ પાસ હોય હોય તેવા 450થી વધુ ઉમેદવારોને પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ મળી હતી. બાકીના 2127 ઉમેદવારોમાંથી હાજર રહેલા 1855 ઉમેદવારોની ગયા રવિવારે પ્રવેશ પરીક્ષા લેવાઈ હતી. જેમાંથી 50 ટકાના પાસિંગ માર્કસ મુજબ માત્ર છ ટકા જ ઉમેદવારો પાસ થયા છે. એટલે કે માંડ 100 જેટલા ઉમેદવારો પાસ થયા છે.

અગાઉના 450થી વધુ સહિત માંડ 600 જેટલા ઉમેદવારો જ હવે આગળની આરડીસી સહિતની પ્રક્રિયામાં જશે અને ત્યારબાદ ફાઈનલ પ્રવેશ ફાળવી રજિસ્ટ્રેશન નંબર અપાશે. મહત્વનું છે કે યુનિ.ની પીએચડી પ્રવેશ પરીક્ષાથી માંડી પરિણામમાં પણ અનેક છબરડા સામે આવ્યા છે. 25 જેટલા વિદ્યાર્થીઓએ 12 જેટલી વાંધા અરજીઓ આન્સર કીમાં કરી હતી. ઉપરાંત યુનિ.દ્વારા પ્રવેશ પરીક્ષામાં ખરેખર કેટલા પાસ થયા છે તેની કોઈ જ વિગતો જાહેર ન કરાતા ગોઠવણની પણ શંકાઓ ઉઠી છે. યુનિ.ના પીએચડી પ્રવેશ પરીક્ષા કોઓર્ડિનેટરની કામગીરીને લઈને પણ ફરિયાદો ઉઠી છે. આ વર્ષે પીએચડીની વિવિધ વિષયની મળીને 820 બેઠકો છે ત્યારે માંડ 600 જેટલા જ ઉમેદવારો હોય 200થી વધુ બેઠકો ખાલી રહે તેમ છે.

આ પણ વાંચો: સ્કૂલોની ગ્રાન્ટ બાદ હવે પ્રાથમિક શાળાના કર્મીઓના ભથ્થાંમાં કરાયો વધારો

Back to top button