દેવાયત ખવડ સહિત બે આરોપીઓનાં બે દિવસનાં રિમાન્ડ થયાં મંજૂર


રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવાન પર જુની અદાવતને કારણે ખુની હુમલો કરવાના ગુનામાં વોન્ટેડ લોકગાયક દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચના શરણે આવતા એ-ડીવીઝન પોલીસને કબ્જો સોંપાયો હતો. જેણે વિધીવત ધરપકડ કરી હતી. ત્યારે હવે આજે કોર્ટે તેના રીમાન્ડની માંગણી મંજૂર કરી છે.
આ પણ વાંચો : રાજકોટમાં દૂષ્કર્મની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી મહિલા પર સરાજાહેર છરીથી હુમલો

2 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી
આજે લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત બે આરોપીઓ હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ત્યારે આજે 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યાં આજે કોર્ટ દ્વારા તેમના 2 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી છે. દેવાયત અને તેના સાથીદારોને સોમવાર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડની મંજૂરી મળી છે. જો કે પોલિસ દ્વારા આરોપીઓનાં 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે ફક્ત 2 દિવસનાં રિમાન્ડની જ મંજૂરી મળી છે.
શું છે સમગ્ર મામલો ?
મળતી માહિતી મુજબ રાજકોટમાં ગઈ તા.7ના રોજ સર્વેશ્વર ચોક નજીકની શેરીમાં મયુરસિંહ પોતાની પાર્ક કરેલી કાર તરફ પગપાળા જતો હતો ત્યારે નંબર પ્લેટ વગરની સ્વીફટ કારમાં ધસી આવેલા દેવાયત ખવડ તેનો સાગરીત સાથે પાઈપ વડે તુટી પડયો હતો. પાઈપના આડેધડ ઘા ઝીંકાતા મયુરસિંહને માથામાં અને મગમાં ગંભીર ઈજા થઈ હતી. જેથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. એ-ડીવીઝન પોલીસે તેની ફરિયાદના આધારે દેવાયત ખવડ અને બે અજાણ્યા શખ્સો સામે ખુનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
દેવાયત ખવડ 10 દિવસથી હતો ફરાર
આ ગુનામાં છેલ્લા દસ દિવસથી દેવાયત ખવડ ફરાર હતો. એટલુ જ નહી તેણે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી પણ કરી હતી. બીજી તરફ ઈજા પામનાર મયુરસિંહના પરીવારજનોએ તત્કાળ દેવાયત ખવડની ધરપકડ કરવા માંગણી કરી હતી. એટલુ જ નહી જો તત્કાળ ધરપકડ નહી થાય તો પોલીસ કમિશનર કચેરીમાં ધરણા, ઉપવાસ કરવાની ચીમકી આપી હતી.