- ગેરતપુરમાં એક જ બિલ્ડિંગમાં એક કરતા વધુ સ્કૂલ ચાલતી
- પ્રાથમિક શિક્ષણ નિયમક દ્વારા હુકમ કરવામાં આવ્યો
- વિદ્યાર્થીઓને વાલીઓની મંજૂરીથી નજીકની અન્ય સ્કૂલમાં પ્રવેશ
અમદાવાદની ત્રણ સ્કૂલોની માન્યતા આવતા શૈક્ષણિક સત્રથી રદ કરાઈ છે. જેમાં શ્રદ્ધા ઈન્ટરનેશનલ, ભગવતી બાલમંદિર-પ્રાથમિક શાળા સામે પગલાં લેવાયા છે. એક જ બિલ્ડિંગમાં એક કરતાં વધુ સ્કૂલો ચાલતી હોવાથી નિર્ણય લેવાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયમક દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
ગેરતપુરમાં એક જ બિલ્ડિંગમાં એક કરતા વધુ સ્કૂલ ચાલતી
ગેરતપુરમાં એક જ બિલ્ડિંગમાં એક કરતા વધુ સ્કૂલ ચાલતી હોવાના મુદ્દે તેમજ ખોટી એફ્ડિેવિટ કરી મંજુરી મેળવવાના કિસ્સામાં બે શાળાઓની માન્યતા રદ્દ કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ કર્યો છે. જેમાં નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રદ્ધા ઈન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ અને ભગવતી બાલમંદિર અને પ્રાથમિક શાળાની માન્યતા જૂન-2024ની અસરથી રદ્દ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આદેશ કરાયો છે. જેમાં વિદ્યાર્થીઓને વાલીઓની મંજૂરીથી નજીકની અન્ય સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટેની કાર્યવાહી હાથ ધરાશે.
તમામ સ્કૂલો એક જ બિલ્ડિંગમાં ચાલતી
ગેરતપુરમાં આવેલ નુતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નૂતન હિન્દી વિદ્યાલય, શ્રધ્ધા ઈન્ટરનેશનલ ધોરણ-1થી 5 અંગ્રેજી પ્રાથમિક શાળા, ધોરણ-1થી 8ની ભગવતી ગુજરાતી બાલમંદિર અને પ્રાથમિક શાળા ગેરતપુર રેલવે ક્રોસિંગ પાસે એક જ બિલ્ડીંગમાં ચાલે છે તેવી ફરિયાદ શિક્ષણ વિભાગને મળી હતી. આ જગ્યાએ અન્ય સ્કૂલ ચાલતી હોવા છતાં શ્રદ્ધા ઈન્ટરનેશનલ અંગ્રેજી પ્રાથમિક શાળાની ખોટી એફ્ડિેવિટ કરી મંજુરી મેળવવામાં આવી છે.
બિલ્ડિંગના નકશા મુજબ માત્ર 6 જ રૂમ
બિલ્ડિંગના નકશા મુજબ માત્ર 6 જ રૂમ હોવા છતાં તમામ સ્કૂલો એક જ બિલ્ડિંગમાં ચાલતી હોવાથી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઇ હતી. તેના આધારે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે તપાસ કરીને અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે, શાળાએ મંજુર થયેલા વર્ગખંડોની સામે વધુ માન્યતા મેળવેલી હોય તેમજ નવી શાળા મંજુરી સમયે ખોટુ સોગંદનામુ રજૂ કરી માન્યતા મેળવેલી હોવાથી તમામ સ્કૂલોની માન્યતા રદ્દ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણના આધારે શાળા સંચાલક મંડળને પણ રૂબરૂ સાંભળવામાં આવ્યા બાદ પ્રાથમિક શિક્ષણ નિયમક દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.