ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

RBI ગવર્નરે પ્રથમ ક્વાર્ટરમાં દેશના GDP ગ્રોથ રેટમાં થયેલા ઘટાડાનું આપ્યું કારણ, જાણો શું છે

Text To Speech
  • લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાના અમલને ધ્યાનમાં રાખીને સરકારી ખર્ચમાં ઘટાડો થવાને કારણે આવું થયું: ગવર્નર 

નવી દિલ્હી, 31 ઓગસ્ટ: તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાના અમલને ધ્યાનમાં રાખીને સરકારી ખર્ચમાં ઘટાડો થવાને કારણે એપ્રિલ-જૂન મહિનાના ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 15 મહિનાની નીચી સપાટી 6.7 ટકા પર ધીમો પડ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આજે શનિવારે આ વાત કહી છે. RBIએ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે 7.1 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો. ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “રિઝર્વ બેંકે પ્રથમ ત્રિમાસિક ગાળા માટે 7.1 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો. જોકે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના પ્રથમ એડવાન્સ અંદાજ ડેટામાં વૃદ્ધિ દર 6.7 ટકા રહ્યો હતો.”

 

ચૂંટણીના કારણે સરકારી ખર્ચમાં ઘટાડો થયો

ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, “GDP વૃદ્ધિ માટે જવાબદાર ઘટકો અને મુખ્ય ચાલકો જેવા કે ઉપભોગ, રોકાણ, ઉત્પાદન, સેવાઓ અને બાંધકામે સાત ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે. માત્ર બે પાસાઓએ વિકાસ દરમાં થોડો ઘટાડો કર્યો છે અને તે છે: સરકારી ખર્ચ (કેન્દ્ર અને રાજ્ય બંને) અને કૃષિ.” તેમણે વધુમાં કહ્યું કે, “પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સરકારી ખર્ચ ઓછો રહ્યો હતો અને આ કદાચ ચૂંટણીઓ (એપ્રિલથી જૂન) અને આદર્શ આચાર સંહિતાના અમલને કારણે થયું હતું.”

કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ નીચી રહી

શક્તિકાંત દાસે વધુમાં કહ્યું કે, “અમે આશા રાખીએ છીએ કે આગામી ક્વાર્ટરમાં સરકારી ખર્ચમાં વધારો થશે અને વૃદ્ધિને જરૂરી ટેકો મળશે. તેવી જ રીતે, કૃષિ ક્ષેત્રે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં લગભગ બે ટકાનો સૌથી નીચો વૃદ્ધિ દર નોંધ્યો છે. ચોમાસું ઘણું સારું રહ્યું છે અને તેથી દરેક લોકો કૃષિ ક્ષેત્રને લઈને આશાવાદી અને સકારાત્મક છે.” ગવર્નરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ” આ સંજોગોમાં, અમને વિશ્વાસ છે કે RBI દ્વારા અંદાજિત 7.2 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર આગામી ક્વાર્ટરમાં શક્ય બનશે.”

આ પણ જૂઓ: દેશનો GDP દર 15 મહિનાના તળીયે, જાણો એપ્રિલ-જૂનમાં કેટલો રહ્યો ?

Back to top button