વાવાઝોડામાં આવેલો વરસાદ ખેડૂતોને ફળશે, વાવણી વહેલી થઈ શકશે
- વાવાઝોડાના વરસાદના કારણે ગુજરાતમાં વાવણી વહેલી શરુ થશે.
- કચ્છ, ઉત્તર ગુજરાતમાં ખેતી માટે પાણીનો પ્રશ્ન હલ થશે, મગફળી અને કપાસના પાકને લાભ થશે.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી બિપરજોય વાવાઝોડાની ચર્ચા થઈ રહી છે, ત્યારે રાજ્યમાં 15,16 જૂને ત્રાટકેલા આ વાવાઝોડાએ સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠાના અનેક ભાગોમાં તારાજી સર્જી છે. અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ, મકાનો સહિત ઘણી સંપત્તિને નુકસાન થયું છે અને હજુ પણ નુકસાનીનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. જોકે, આ બધા વચ્ચે બિપરજોયની પોઝિટિવ અસર પણ થઈ છે. વાવાઝોડાના કારણે ખેડૂતો તેમજ કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ ખેતી માટે જે પાણીની ધટ વર્તાતી હતી તે વાવાઝોડાની સાથે આવેલા વરસાદએ પુરી કરી છે. એટલે ખેડૂતોના જે પાણીના પ્રશ્ન હતા તે હલ થયા છે. વરસાદ વહેલા થતા વાવણી વહેલી થશે.
વરસાદથી ખેતીની જમીનને ફાયદો થશે:
નિષ્ણાંતોએ કહ્યું કે, વાવાઝોડાએ વિનાશ વેર્યો તે હકીકત છે પણ સાથે વરસાદ આવવાથી કૃષિને ઘણો ફાયદો થયો છે. આના કારણે વાવેતર પહેલા ખેતીની જમીનને જે ભેજની જરુર હોય છે તે આ વરસાદના કારણે મળી ગયો છે. ઉનાળાના તાપ બાદ તેની ખાસ જરુર હોય છે. બીજું કે, જમીનના તળ ઊંચા આવશે અને કૂવાના પાણીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વરસાદ થોડો મોડો પણ આવે તો ખેડૂતોને કોઈ તકલીફ પડશે નહીં.
મગફળી અને કપાસને ફાયદો થશે:
આમ જોવા જઈએ તો ગુજરાતમાં ખેડૂતો વરસાદ ઉપર વધુ આધાર રાખે છે. એટલે પહેલો વરસાદ આવે ત્યારબાદ વાવણી કરતા હોય છે. ગુજરાતમાં જૂનના અંતે અથવા જુલાઈમાં વાવણી થાય છે. બિપરજોય આવ્યું, તેની સાથે વરસાદ પણ આવ્યો. આના કારણે હાલ જે પાણીનો પ્રશ્ન હતો તે ઉકેલાઈ ગયો છે. હવે વરસાદ મોડો પણ આવે તો વાંધો નહીં આવે. આ વરસાદથી મગફળી અને કપાસની વાવણીને ફાયદો થશે. વાતાવરણ ખુલ્લું થશે એટલે વાવણી શરૂ થઈ જશે. નિયમિત ચોમાસુ વરસાદ આવશે એટલે વાવેલા પાકને વધારે ફાયદો થશે.
આ પણ વાંચો: વાવાઝોડાના પગલે અનરાધાર વરસાદ, 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ ખાબક્યો