વંદે ભારત ટ્રેનના અડફેટે પ્રાણીઓ ન આવે તે માટે રેલવે તંત્રે ભર્યા આ પગલાં


જે રીતે વંદે ભારત ટ્રેન સાથે એક પછી એક પ્રાણી અથડાવાની ઘટનાઓ સામે આવી રહી હતી, જેના પછી રેલવે પોલીસને સાવચેત કરી દેવામાં આવી છે. રેલવે સુરક્ષા દળ (RPF) એ મહારાષ્ટ્રના પાલઘરમાં રેલ માર્ગ સાથે જોડાયેલા ગામના સરપંચોને નોટિસ જાહેર કરવાનું શરૂ કર્યુ છે. નોટિસમાં પાટા પાસે પશુઓને જવા ના દેવા માટે કહેવામાં આવ્યુ છે.
આ અંગે અધિકારીઓને નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો કોઇ ઢોરનો માલિક બેદરકારી દાખવે છે તો તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે ગુજરાત અને મહારાષ્ટ્રના પાટનગર વચ્ચે સેમી-હાઇ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન સેવાની શરૂઆત કરી હતી. આ ટ્રેનની શરૂઆત બાદ ગુજરાતમાં આવી ત્રણ ઘટના બની ચુકી છે જેમાં ટ્રેન રખડતા ઢોર સાથે અથડાઈ છે.
આ પણ વાંચો : અમૃતસરમાં શિવસેનાના નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા, આરોપી ઝડપાયો
પશ્ચિમ રેલવે ના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યુ કે નોટિસ RPFના મુંબઇ ડિવીઝન દ્વારા સરપંચોને જાહેર કરવામાં આવી છે, જેમાં અધિકારીઓએ સ્થાનિકોને પોતાના ઢોરને પાટાની આસપાસ ના જવા દેવાની અપીલ કરી છે જેથી આ રીતની દૂર્ઘટનાને ટાળી શકાય. ઠાકુરે કહ્યુ કે સરપંચોને જાહેર નોટિસ નિવારક પ્રકૃતિની છે.
મહત્વપૂર્ણ છે કે ગત શનિવારે ગુજરાતના અતુલ સ્ટેશન પાસે મુંબઇ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની ઝપટમાં કેટલાક ઢોર આવી ગયા હતા. આ ટ્રેન સેવા શરૂ થયા બાદ આ રીતની ત્રીજી ઘટના હતી. આ પહેલા છ અને સાત ઓક્ટોબરે પણ ટ્રેનની ટક્કરમાં કેટલાક ઢોર આવ્યા હતા. આ બન્ને ઘટના ગુજરાતમાં બની હતી. આ તમામ ઘટનાઓમાં મુસાફરોને કોઇ ઇજા થઇ નહતી. જોકે, ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો.