ગુજરાત

લખતરના વરસાણી ગામમાં પીવાના પાણીના પ્રશ્ને ગ્રામજનોની હિજરતની ચિમકી

Text To Speech

સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાના ધોમધગતા તાપની વચ્ચે લોકોની સાથે સાથે અબોલ પશુઓને પણ પીવાના પાણીની જરૂરીયાત વધુ પડતી હોય છે. હાલ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના લખતરના વરસાણી ગામે પણ કંઈક આવી જ પાણીની વિકટ સ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. અહીં છેલ્લા 10 દિવસથી પુરવઠા વિભાગની પાણીની લાઈનમાં પાણી ન આવતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તો બીજી બાજુ વરસાણી ગામના તળાવમાં પડેલું ડેડ વોટરમાં ગંદકી હોવાથી તે પશુઓના પણ પીવા માટે કામમાં આવે તેવું નથી. તેમજ પશુઓના પણ પીવાના પાણીના અવાડા હાલ ખાલીખમ જોવા મળી રહ્યા છે. તેવામાં કાળઝાળ ગરમીમાં પશુઓને પણ પાણી માટે આમ તેમ ભટકવું પડી રહ્યું છે. “નલ સે જલ તક” યોજના નીચે ગામમાં નવો સમ્પ તૈયાર તો કરાયો છે. જોકે તેનું લોકાર્પણ હજી સુધી થયુ નથી. જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આવી જ વિકટ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં તેમને હિજરત કરી અન્ય ગામમાં રહેવા જવાની ફરજ પડશે.

Back to top button