રાજ્યમાં જે રીતે માલધારી સમાજની વિવિધ પ્રશ્નોને લઈને રેલીઓ અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે તેનો રાહતકારી અંત આવતો જોવા મળી રહ્યો છે. માલધારી સમાજના આગેવાનોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે સુરત ખાતે મુલાકાત કરી હતી જેના પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાલ દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી કરાશે.
આ અંગે માહિતી અનુસાર, સીઆર પાટીલ અને માલધારી સમાજના આગેવાનો વચ્ચે સુરતમાં મીટિંગ થઈ હતી. જેના બાદ પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને માલધારી સમાજને ડિમોલિશન અટકાવવા માટેની બાંહેધરી આપી છે. તેમજ દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી આગળની કાર્યવાહી હાથ ધરશે તેમ પણ જણાવ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં અત્યાર સુધીમાં 500થી વધુ ઢોર પકડવામાં આવ્યા, શું રહી વિવિધ શહેરોમાં સ્થિતિ ?
જે રીતે અમદાવાદ, સુરત અને રાજ્યભરમાં માલધારી સમાજનું આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે તે જોતાં સરકારે તાત્કાલિક ધોરણે પ્રારંભિક નિર્ણય કર્યો છે. જેમાં હાલ પૂરતા ડિમોલિશન અટકાવવાની માંગ સ્વીકારી દીધી છે. જે પછી માલધારી સમાજના આગેવાનો અને ધર્મગુરુઓની હાજરીમાં સાંજ સુધીમાં આંદોલનને સમેટી લેવાનો પણ કાર્યક્રમ થશે.
છેલ્લા થોડાં દિવસોથી રખડતા ઢોર અંગે હાઇકોર્ટની ટકોર બાદ રાજ્યભરના મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. જે પછી રસ્તા પર રખડતા ઢોર અને ઢોર છૂટા મુકનાર પશુમાલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેના બાદ મોટી સંખ્યામાં માલધારી યુવાનો અને આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેના સામે આખરે સરકારે પણ નમતું મુક્યું છે.