કેદીઓ પણ રંગાયા દેશભક્તિના રંગમાં


સુરતઃ સમગ્ર ભારત ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ‘હર-ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત બંદીવાનોમાં તિરંગા પ્રત્યે માન સન્માન વધે અને રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તેવા આશયથી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં બંધીવાનોએ ભારતમાતાના જયઘોષ સાથે યાત્રામાં જોડાઈને મા ભારતીની આઝાદી માટે બલિદાન આપનારા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા.

રાજ્ય સરકાર તથા અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ ડૉ.કે.એલ.એન.રાવની સૂચના અને સુરત મધ્યસ્થ જેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનોજ નિનામાના માર્ગદર્શન હેઠળ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે અતુલ બેકરીના સૌજન્યથી આજરોજ જેલના બંદીવાનો દ્વારા કેદી બેન્ડ સાથે 100 મીટર લંબાઈના રાષ્ટ્રીય ધ્વજ સાથે પ્રત્યેક બંદીવાનો હાથમાં તિરંગો લહેરાવી જેલની અંદરના પરિસરમાં આયોજિત ‘તિરંગા યાત્રા’માં સામેલ થયા હતા.આ યાત્રામાં જેલના અધિકારી-કર્મચારીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.