માતા હીરાબાના જન્મદિવસ પર વડાપ્રધાને ભાવુક બ્લોગ લખ્યો હતો, જાણો શુ કહ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હીરાબાનું આજે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબાના મૃત્યુના સમાચાર સાંભળતા જ સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે. વડાપ્રધાન મોદીએ આ અંગે એક ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે રાજ્યથી લઈને કેન્દ્રીય કક્ષાના દિગ્ગજોએ ટ્વીટ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમને માતા પ્રત્યે અતૂટ પ્રેમ હતો.
પીએમ મોદી અને તેમના માતા હીરા બા વચ્ચેનો સંબંધ ખૂબ જ અનેરો હતો. જ્યારે પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ હીરા બાને મળવા માટે તેમના નિવાસસ્થાને દોડી જતા હતા. વડાપ્રધાને તેમની માતા સાથે પ્રેમ અને લાગણી સભર ફોટા તો અવાર નવાર શેર કરતા હતા પરંતું વડાપ્રધાને તેમના માતાના જન્મદિવસ નિમિતે ભાવુક બ્લોગ લખ્યો હતો. આ બ્લોગમાં વડાપ્રધાને તેમની માતાના જીવન સંઘર્ષ વિષે વાત કરી હતી.
PM મોદીએ માતાના જન્મદિવસ પર લખ્યો આ બ્લોગ
PM મોદીએ 18 જૂન 2022ના રોજ માતા હીરાબાના જન્મ દિવસે એક બ્લોગ લખીને માતા હીરાબા સાથે તેમની યાદોને વાગોળી હતી. તેમણે આ બ્લોગમાં લખ્યું હતુ કે “મા કે માતા – શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી. આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે – પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ વગેરે. દુનિયાભરમાં કોઈ પણ દેશ કે વિસ્તારમાં બાળકો તેમની માતા પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. આજે માતાના જન્મ દિવસ પર ખૂબ ખુશ છું. મારી લાગણીને તમારી સાથે વહેંચતા વિશેષ આનંદ થાય છે કે, મારી માતા શ્રીમતી હીરાબા તેમના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. જો આજે મારા પિતા હયાત હોત, તો તેમણે પણ ગયા અઠવાડિયે તેમના 100મા જન્મદિવસની ઉજવણી કરી હોત.
હીરાબાએ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું
“મારી માતાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે મારા વતન વડનગરની નિકટ છે. તેમને તેમની પોતાની માતાનો પ્રેમ મળ્યો નહોતો. નાની વયે તેમણે મારા નાનીને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધા હતા. તેમને મારી નાનીનો ચહેરો પણ યાદ નથી. તેમની પાસે મારી નાનીમાના ખોળામાં પસાર થયેલી બાળપણની યાદો પણ નથી. મારા માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું. આપણા બધાને જે લાડકોડ મળ્યાં છે, તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી. જેમ આપણે આપણી માતાના ખોળામાં નિશ્ચિંત થઈને સૂતાં હતાં, તેમ મારી માતા તેમની માતાના ખોળામાં એ દૈવી અહેસાસ મેળવી શક્યાં નહોતાં. મારી માતા શાળામાં અભ્યાસ માટે પણ જઈ શક્યાં નહોતા એટલે સ્વભાવિક છે કે, તેમને લખતાં-વાચતાં આવડ્યું નથી. તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું અને તમામ પ્રકારના સુખભોગ કે લાડકોડથી વંચિત રહ્યાં હતાં”.
આ પ્રકારના સંઘર્ષ અને જટિલ સ્થિતિસંજોગોને કારણે મારી માતાને બાળપણ માણવા મળ્યું જ નહોતું – તેમને ઉંમર કરતાં વધારે પરિપક્વ થવાની ફરજ પડી હતી. તેમના પરિવારમાં તેઓ સૌથી મોટું સંતાન હતાં અને લગ્ન પછી અમારા પરિવારમાં તેઓ સૌથી મોટી વહૂ બન્યાં હતાં. પોતાના બાળપણમાં તેમણે સંપૂર્ણ પરિવારની જવાબદારી ઉઠાવી હતી અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે પાર પાડતાં શીખી ગયા હતા. લગ્ન પછી પણ તેમણે અમારા પરિવારમાં તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘણી જવાબદારીઓ અને રોજિંદા સંઘર્ષો હોવા છતાં મારી માતાએ ધીરજ અને મક્કમ મનોબળ સાથે સંપૂર્ણ પરિવારને એકતાંતણે જોડી રાખ્યો છે.
હીરાબાનું જીવન અનેક સંઘર્ષોથી ભરેલું હતું.
અમારું કુટુંબ વડનગરમાં એક નાનાં ઘરમાં રહેતું હતું, જેમાં એક બારી પણ નહોતી. શૌચાલય કે બાથરૂમ જેવી સુખસુવિધાની વાત જ કેવી રીતે થાય! અમે અમારા ઘરને એક-રૂમનું ટેનામેન્ટ કહેતાં હતાં, જેમાં માટીની દિવાલો હતી અને છત પર નળિયા હતાં. એવું હતું અમારું ઘર. તેમાં અમે બધા – મારા માતાપિતા, મારા ભાઈબહેનો અને હું રહેતાં હતાં.મારા પિતાએ વાંસની લાકડીઓ અને લાકડાનાં પાટિયાઓમાંથી એક મચાન કે મંચ બનાવી દીધો હતો, જેથી મારી માતાને રસોઈ બનાવવામાં સરળતા રહેતી. આ અમારું રસોડું હતું. મારી માતા રાંધવા માટે તેના પર ચડી જતી અને આખો પરિવાર એના પર બેસીને એકસાથે જમતો હતો. સામાન્ય રીતે, અછત કે અભાવ તણાવ જન્માવે છે. જોકે મારા માતાપિતા પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ જાળવી રાખવા રોજિંદા સંઘર્ષની ક્યારેય ચિંતા કરતાં નહોતાં. મારા માતાપિતાએ સમજીવિચારીને તેમની જવાબદારીઓ વહેંચી લીધી હતી અને તેમને પૂરી કરતાં હતાં.
અમારા ઘરનો ખર્ચ પૂર્ણ કરવા મારી માતા થોડા ઘરોમાં વાસણો માંજવાનું કામ કરતાં હતાં. તેઓ અમારાં કુટુંબની અતિ ઓછી આવકમાં પૂરક બનવા ચરખો ચલાવવા પણ સમય કાઢતાં હતાં. તેઓ કાલાં ફોલવાથી લઈને રૂ કાંતવા સુધીનું કામ કરતાં હતાં. આ અતિ શ્રમદાયક કામમાં પણ તેમની મુખ્ય ચિંતા એ રહેતી કે કપાસના અણીદાર કાંટા અમારા શરીરમાં ઘૂસી ન જાય.
માતા હીરાબા આત્મનિર્ભર અને સ્વાશ્રયી હતાં
માતાએ ક્યારેય અપેક્ષા રાખી નહોતી કે, અમે, બાળકો અમારો અભ્યાસ પડતો મૂકીને તેમના ઘરકામમાં મદદ કરીએ. તેમણે અમને ક્યારેય મદદ કરવાનું કહ્યું પણ નહોતું. જોકે તેમને મહેનત કરતાં જોઈને અમે તેમને મદદ કરવાની અમારી ફરજ ગણતાં હતાં. મારી માતા આત્મનિર્ભર હતાં, સ્વાશ્રયી હતાં. પોતાનું કામ અન્ય લોકોને કરવાની વિનંતી ક્યારેય કરી નથી. ચોમાસામાં અમારા માટીના ઘરમાં ઘણી સમસ્યાઓ ઊભી થતી. જોકે માતા ખાતરી કરતી હતી અમને ઓછામાં ઓછી તકલીફ પડે. જૂન મહિનામાં ચામડી બાળે નાંખે એવી ગરમીમાં તેઓ છત પર ચડીને નળિયાઓ રિપેર કરતી હતી. જોકે તેઓ સાહસિક પ્રયાસો કરે તેમ છતાં અમારું જૂનું ઘર ચોમાસામાં વરસાદ સામે ટકી શકે એમ નહોતું. અમારા ઘરનો ખર્ચ પૂર્ણ કરવા મારી માતા થોડા ઘરોમાં વાસણો માંજવાનું કામ કરતાં હતાં. તેઓ અમારાં કુટુંબની અતિ ઓછી આવકમાં પૂરક બનવા ચરખો ચલાવવા પણ સમય કાઢતાં હતાં. તેઓ કાલાં ફોલવાથી લઈને રૂ કાંતવા સુધીનું કામ કરતાં હતાં. આ અતિ શ્રમદાયક કામમાં પણ તેમની મુખ્ય ચિંતા એ રહેતી કે કપાસના અણીદાર કાંટા અમારા શરીરમાં ઘૂસી ન જાય.
અમારું જૂનું ઘર ચોમાસામાં વરસાદ સામે ટકી શકે એમ નહોતું
ચોમાસામાં વરસાદ દરમિયાન અમારી છતમાંથી પાણી ટપકતું હતું અને ઘરમાં પાણી ભરાઈ જતું. માતા વરસાદના પાણીને ભેગું કરવા છતની નીચે ડોલ અને વાસણો મૂકતી હતી. આ પ્રતિકૂળ સ્થિતિસંજોગોમાં પણ માતાનું મનોબળ મક્કમ જળવાઈ રહેતું. તમને જાણીને નવાઈ લાગશે કે, તેઓ આ પાણીનો આગામી દિવસોમાં ઉપયોગ કરતાં હતાં. વરસાદના પાણીના સંચયનું આનાથી વધારે સારું ઉદાહરણ બીજું કયું હોઈ શકે!
સ્વચ્છતાને લઈને માતાની ચીવટ
અત્યારે પણ તેમના સ્વભાવમાં એવી જ ચીવટ જોવા મળે છે. તેઓ ગાંધીનગરમાં મારા ભાઈ અને મારા ભત્રીજાઓની સાથે રહેવા છતાં આજે પણ આ ઉંમરે તેમનું કામ તેમની રીતે કરવાનો પ્રયાસ કરે છે. આજે પણ સ્વચ્છતાને લઈને તેમની ચીવટ ઊડીને આંખે વળગે એવી છે. જ્યારે હું તેમને મળવા ગાંધીનગર જાઉં છું, ત્યારે તેમના પોતાના હાથે મીઠાઈ ખવડાવે છે. હું ભોજન પૂરું કરે એટલે નાની બાળકની જેમ માતા નેપ્કિન લઈને મારો ચહેરો સાફ કરે છે. તેઓ તેમની સાડીમાં એક નેપ્કિન કે નાનો રૂમાલ હંમેશા રાખે છે.હું સ્વચ્છતાને લઈને માતાની ચીવટ પર અનેક પ્રસંગો ટાંકી શકું છું. વળી તેમનો અન્ય એક ગુણ પણ કેળવવા જેવો છે – સ્વચ્છતા અને સાફસફાઈ કરતાં લોકો પ્રત્યે સન્માનની ભાવના. મને યાદ છે કે, જ્યારે વડનગરમાં અમારા ઘરની લગોલગ નહેર સાફ કરવાં કોઈ આવતું હતું, ત્યારે મારી માતા તેમને ચા પીવડાવ્યાં વિના જવા ન દેતા. અમારું ઘર સફાઈ કર્મચારીઓ વચ્ચે કામ પછી ચા પીવા માટે જાણીતું હતું.
હીરાબાનો પશુ પક્ષી પ્રત્યેનો પ્રેમ
મારી માતાને અન્ય જીવો પ્રત્યે હંમેશા વિશેષ લગાવ રહ્યો છે. તેઓ દરેક પશુપંખીની સારસંભાળ રાખવામાં માને છે. દર ઉનાળામાં તેઓ પક્ષીઓ માટે પાણીનું પાત્ર મૂકે. તેઓ ખાતરી કરતાં હતાં, અમારા ઘરની આસપાસ ફરતાં કૂતરાં ક્યારેય ભૂખ્યાં ન જાય. જ્યારે મારા પિતા ચાની કિટલીએથી પરત ફરે, ત્યારે મલાઈ લાવતા હતાં. માતા તેમાંથી સ્વાદિષ્ટ ઘી બનાવતાં હતાં. આ ઘીનું સેવન અમે જ નહીં પણ અમારી પડોશની ગાયો પણ કરતી હતી. માતા દરરોજ આ ઘીમાં બોળેલી રોટલીઓ ગાયને ખવડાવતાં. તેઓ ગાયને સૂકી રોટલીઓ ખવડાવવાને બદલે પ્રેમથી ઘરમાંથી બનેલા ઘી લગાવેલી રોટલીઓ આપતાં હતાં.
નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવા પર આપ્યો આ જવાબ
આજે ઘણા વર્ષો પછી જ્યારે લોકો તેમને પૂછે છે કે, તેમને તેમના પુત્ર પર ગર્વ છે, કારણ કે તેમનો પુત્ર દેશનો પ્રધાનમંત્રી બની ગયો છે, ત્યારે માતા નમ્રભાવે પ્રતિભાવ આપે છે. તેઓ કહે છે કે, “જેટલો તમને ગર્વ થાય છે એટલો ગર્વ મને થાય છે. મારું કશું નથી. હું ઈશ્વરની યોજનામાં માત્ર એક માધ્યમ બની છું.”
ફક્ત બે પ્રસંગોમાં વડાપ્રધાન મોદી સાથે માતા હાજર રહ્યા હતા
તમને કદાચ જોયું હશે કે કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં મારી સાથે મારી માતા ક્યારેય હોતા નથી. તેઓ અગાઉ ફક્ત બે પ્રસંગોમાં મારી સાથે રહ્યાં છે. એક વાર, અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમમાં. આ કાર્યક્રમમાં તેમણે મારા કપાળ પર તિલક કર્યું હતું. એ સમયે હું શ્રીનગરથી પરત ફર્યો હતો, જ્યાં મેં એકતા યાત્રા પૂર્ણ થતાં લાલ ચોકમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવ્યો હતો
નાગરિક તરીકે તેમની ફરજો પ્રત્યે હંમેશા જાગૃત
તેઓ એક નાગરિક તરીકે તેમની ફરજો પ્રત્યે હંમેશા જાગૃત છે. ચૂંટણીની શરૂઆત થઈ એ સમયથી તેમણે પંચાયતથી સંસદ સુધી એમ દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે. થોડા દિવસો અગાઉ તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ મત આપવા ગયા હતા.તેઓ ઘણી વાર મને કહે છે કે, મને કશું ન થઈ શકે, કારણ કે મારા પર જનતા જનાર્દન અને સર્વશક્તિમાન ઈશ્વરના આશીર્વાદ છે. તેઓ મને યાદ અપાવે છે કે, જો હું લોકોની સતત સેવા કરવા ઇચ્છું છું, તો સ્વસ્થ જીવનશૈલી અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે.
માતાના નામે કોઈ સંપત્તિ નથી
આજે પણ મારી માતાના નામે કોઈ સંપત્તિ નથી. મેં ક્યારેય તેમને સોનાનાં ઘરેણા પહેરતાં જોયા નથી અને તેમને તેમાં રસ પણ નથી. અગાઉની જેમ તેઓ તેમના એક નાના રૂમમાં સરળ જીવન જીવે છે. મારી માતાને દૈવી શક્તિમાં અપાર વિશ્વાસ છે, પણ સાથે સાથે તેઓ અંધશ્રદ્ધાથી દૂર છે અને અમારી અંદર પણ એ જ ગુણો કેળવ્યાં છે.
હીરાબા તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા હતા
તેમની વય વધવા છતાં યાદશક્તિ બહુ સારી છે. તેમને દાયકાઓ જૂની ઘટનાઓ સારી રીતે યાદ હોય છે. જ્યારે કોઈ સગાસંબંધી તેમને મળવા આવે છે, ત્યારે તેઓ તાત્કાલિક તેમના પૌત્રપૌત્રીઓના નામ યાદ કરે છે અને તેમને ઓળખી પણ લે છે.
તેઓ દુનિયામાં ઘટી રહેલી ઘટનાઓથી વાકેફ પણ રહે છે. તાજેતરમાં મેં તેમને પૂછ્યું હતું કે, તેઓ દરરોજ કેટલો સમય ટીવી જુએ છે. તેમણે જવાબ આપ્યો હતો કે, ટીવી પર મોટા ભાગના લોકો એકબીજા સાથે લડવામાં વ્યસ્ત હોય છે અને તેઓ શાંતિથી સમાચારો જુએ છે અને સમજે છે. મને નવાઈ લાગી હતી કે, માતા આ ઉંમરે પણ દુનિયાના ઘટનાક્રમો પર સારી નજર રાખે છે.
જ્યારે ઘર છોડવાનો નિર્ણય કર્યો ત્યારે આપ્યો આ જવાબ
જ્યારે મેં ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો, એ અગાઉ મારી માતાને મારા નિર્ણયની ખબર પડી ગઈ હતી. હું અવારનવાર મારા માતાપિતાને કહેતો હતો કે, હું બહાર નીકળવા અને દુનિયાને સમજવા ઇચ્છું છું. મેં તેમને સ્વામી વિવેકાનંદ વિશે જણાવ્યું હતું અને ઉલ્લેખ કર્યો હતો કે, હું રામકૃષ્ણ મિશન મઠની મુલાકાત લેવા ઇચ્છું છું. આ માટે ઘણાં દિવસો લાગશે. છેવટે મેં ઘર છોડવાની મારી ઇચ્છા જાહેર કરી અને તેમનાં આશીર્વાદ માંગ્યા હતા. મારા પિતાને બહુ દુઃખ થયું હતું અને તેમને નારાજ થઈને જણાવ્યું હતું કે, “તને ગમે એ કર.”. મેં તેમને જણાવ્યું હતું કે, હું તેમના આશીર્વાદ લીધા વિના ગૃહત્યાગ નહીં કરું. જોકે મારી માતા મારી ઇચ્છાઓને સમજ્યાં હતાં અને તેમણે આશીર્વાદ આપ્યાં હતાં. તેમણે મને કહ્યું હતું કે, “તારું મને જે કહે એમ કર.” મારા પિતાને સાંત્વના આપતાં તેમણે કોઈ જ્યોતિષી પાસે મારી કુંડળી દેખાડવા કહ્યું હતું. મારા પિતા એક સંબંધીને લઈને જ્યોતિષીને મળ્યાં હતાં. મારાં જન્માક્ષરનો અભ્યાસ કર્યા પછી તેમણે કહ્યું હતું કે, “તેનો માર્ગ અલગ છે. તેના માટે સર્વશક્તિમાન ઈશ્વરે જે પસંદ કરી રાખ્યો છે એ માર્ગે જ તે અગ્રેસર થશે.”
ગૃહત્યાગ કરીને નવો માર્ગ અખત્યાર કર્યા પછી તેમણે મને ‘તુ’ કહેવાનું બંધ કરી દીધું
માતા હંમેશા મારી સાથે ગુજરાતીમાં વાત કરે છે. ગુજરાતીમાં પોતાનાથી ઓછી ઉંમરના કે સરખી ઉંમરના લોકો માટે ‘તુ’ કહેવાનું પ્રચલિત છે, જેને અંગ્રેજીમાં ‘you’ કહેવાય છે. જો અમારે અમારાથી મોટી વયના લોકોને કે વડીલોને કહેવું હોય તો, તેમના માટે ‘તમે’ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. માતા પોતાના બાળકને હંમેશા ‘તુ’ કહીને જ બોલાવે છે. જોકે એક વાર મેં ગૃહત્યાગ કરીને નવો માર્ગ અખત્યાર કર્યા પછી તેમણે મને ‘તુ’ કહેવાનું બંધ કરી દીધું છે. પછી અત્યાર સુધી તેમણે હંમેશા મને ‘તમે’ અથવા ‘આપ’ કહીને જ સંબોધન કર્યું છે.
ક્યારેય લાંચ ન લેવાનું કહયું
માતાએ મને મક્કમ સંકલ્પ કરવા અને ગરીબોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવા હંમેશા મને પ્રેરિત કર્યો છે. મને યાદ છે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બનીશ એવો નિર્ણય લેવાયો હતો, ત્યારે હું રાજ્યમાં નહોતો. જેવો હું ગુજરાત પહોંચ્યો, હું સીધો મારી માતાને મળવા ગયો હતો. તેમને બહુ આનંદ થયો હતો અને પૂછ્યું હતું કે, હું ફરી તેમની સાથે રહેવા આવ્યો છું. પણ તેઓ મારા જવાબને જાણતા હતા! પછી તેમણે મને કહ્યું હતું કે, “હું સરકારમાં આપના કામને સમજતી નથી, પણ હું તમને કહેવા ઇચ્છું છું કે, ક્યારેય લાંચ ન લેતાં.”તેમણે મને ખાતરી આપી છે કે, મારે તેમની ચિંતા કરવી ન જોઈએ અને મોટી જવાબદારી પર હંમેશા નજર રાખવી જોઈએ. જ્યારે ફોન પર તેમની સાથે વાત કરું છું, ત્યારે તેઓ કહે છે કે, “કોઈની સાથે ક્યારેય ખોટું કે ખરાબ ન કરો તથા ગરીબો માટે હંમેશા કામ કરતાં રહો.”
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અવસાન, વહેલી સવારે દેહ છોડ્યો