રાજકારણીઓના રંગઃ ચૂંટણીનો થાક ઉતારતા વડાપ્રધાન, વિપક્ષી નેતાઓ સાથે એકદમ હળવા મૂડમાં નજરે પડ્યા

નવી દિલ્હીઃ ભારતે હાલમા જ દુનિયાની 20 પ્રમુખ અર્થવ્યવસ્થાઓના સંગઠન G-20ની અધ્યક્ષતા સંભાળી છે. સપ્ટેમ્બર 2023માં ભારતમાં જી-20 શિખર સંમેલન આયોજિત કરાશે. જેની તૈયારીઓને અંતિમ રુપ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમવારે સર્વપક્ષીય બેઠક મળી હતી. આ દરમિયાન વડાપ્રધાન એક-એક કરીને રાજકીય પક્ષોના પ્રમુખ નેતાઓને મળ્યા હતા. જેમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેથી લઈને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સામે હતા. કાર્યક્રમની જે તસવીર સામે આવી છે, તેમાં વડાપ્રધાન મોદીની સાથે આ નેતાઓ એકદમ હળવા મૂડમાં જોવા મળી રહ્યાં છે.

વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે થતી વાતચીત. ગુજરાત ચૂંટણીમાં પ્રચારમાં ખડગેએ જ વડાપ્રધાન મોદીને રાવણ કહ્યાં હતા.
જી-20 માટે બોલાવવામાં આવેલી બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે લેફ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરી પણ જોવા મળ્યા. વાતચીત દરમિયાન બંને નેતાઓ ખડખડાટ હાસ્ય વેરતા દેખાયા.

ગુજરાત ચૂંટણીમાં ભાજપને પડકાર ફેંકનાર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે હાથ જોડીને વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું. તેમની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જોવા મળ્યા.

જી-20 બેઠક પહેલાં વડાપ્રધાન મોદીની સાથે બંગાળના સીએમ મમતા બેનર્જી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી ગાઢ ચર્ચા કરતા જોવા મળ્યા.

જી-20ની બેઠકમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની સાથે વડાપ્રધાન મોદી વાતચીત કરતા નજરે પડ્યા. આ દરમિયાન કોંગ્રેસના નેતા ઉદિત રાજ પણ PMની સાથે ચર્ચા કરતા દેખાયા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે ચર્ચા કરી હતી. શિવસેનાના શિંદે જૂથનું મહારાષ્ટ્રમાં ભાજપની સાથે ગઠબંધન છે.

વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠકમાં હાજર રહેલા જેડીએસ નેતા એચડી દેવગૌડાની પાસે જઈને તેમના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછ્યા હતા.

તેલગુદેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુએ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીને હાથ જોડીને અભિવાદન કર્યું હતું. વડાપ્રધાને તેમની સાથે ઘણે મોડે સુધી ચર્ચા કરી હતી.
