PM મોદીએ US પ્રમુખ જો બાઈડનના પત્નીને આપેલા સૌથી મોંઘા હીરાની કિંમત કરી દેશે દંગ, જાણો
- US પ્રમુખ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડનને 2023માં વિદેશી નેતાઓ દ્વારા હજારો ડોલરની ભેટ આપવામાં આવી હતી
નવી દિલ્હી, 3 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2023માં અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડનને 20 હજાર ડોલર એટલે કે 17 લાખ રૂપિયાનો હીરો ભેટમાં આપ્યો હતો. અહેવાલ મુજબ, પીએમ મોદીની આ ભેટ વર્ષ 2023માં જીલ બાઈડનને વિદેશી નેતાઓ તરફથી મળેલી સૌથી મોંઘી ભેટ હતી. પ્રમુખ જો બાઈડન અને તેમના પરિવારને વર્ષ 2023માં વિશ્વભરના ઘણા વિદેશી નેતાઓ દ્વારા હજારો ડોલરની ભેટ આપવામાં આવી હતી.
બાઈડનના પરિવારને સૌથી મોંઘી ભેટ મળી
પીએમ મોદીએ આપેલો 7.5 કેરેટનો હીરો વર્ષ 2023માં જો બાઈડનના પરિવારના કોઈપણ સભ્યને મળેલી સૌથી મોંઘી ભેટ હતી. સ્ટેટ ડિપાર્ટમેન્ટના વાર્ષિક અહેવાલ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સમાં યુક્રેનિયન રાજદૂતે જો બાઈડન અને તેમના પરિવારને US$14,063 મૂલ્યનું એક બ્રોચ અને બ્રેસલેટ ભેટમાં આપ્યું હતું. ઇજિપ્તના પ્રમુખ અને ફર્સ્ટ લેડીએ US$4,510ની કિંમતનું બ્રોચ અને ફોટોગ્રાફ આલ્બમ ભેટમાં આપ્યું હતું.
બાઈડન પરિવારને મળેલી ભેટ ક્યાં રાખવામાં આવી?
સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, 20,000 યુએસ ડોલરની કિંમતના હીરાને સત્તાવાર હેતુઓ માટે વ્હાઇટ હાઉસની પૂર્વ વિંગમાં રાખવામાં આવ્યો છે. જો બાઈડન અને જીલ બાઈડનને મળેલી અન્ય ભેટો આર્કાઇવમાં મોકલવામાં આવી છે.
કયા નેતાઓ પાસેથી વધુ મોંઘી ભેટ મળી?
જો બાઈડન અને જીલ બાઈડનની ભેટ વિશે વાત કરવામાં આવે તો, તેમને ઘણી વધુ મોંઘી ભેટ પણ મળી હતી. દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સુક-યોલ પાસેથી US $7,100નું એક ફોટો આલ્બમ અને મોંગોલિયન PM તરફથી US $3,495ની કિંમતની મોંગોલિયન યોદ્ધાઓની પ્રતિમા ભેટ તરીકે આપવામાં આવી હતી. આ સિવાય બ્રુનેઈના સુલતાને 3000 યુએસ ડોલરની કિંમતની ચાંદીની વાટકી, ઈઝરાયલના પ્રમુખે 3160 યુએસ ડોલરની કિંમતની ચાંદીની ટ્રે અને યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ 2400 યુએસ ડોલરની ભેટ આપી હતી.
આ પણ જૂઓ: અમેરિકામાં અદાણીના લાંચ કેસમાં મોટું અપડેટ, ન્યૂયોર્ક કોર્ટે આપ્યો આ આદેશ