- ભાવમાં રૂ.7 થી રૂ.8 સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા
- 25 લાખ પીએનજી અને 11 લાખ સીએનજી ધારકોને લાભ
- રૂ.10 કે તેથી વધુ રકમનો ઘટાડો આવવાની શક્યતા હતી
1-એપ્રિલથી CNG અને PNGના ભાવમાં રૂ.7 થી 8 સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થયા બાદ ગેસ કંપનીઓ ભાવ ઘટાડશે. તમામ પીએનજીધારકોને પણ ભાવ ઘટાડાનો લાભ મળશે.
ભાવમાં રૂ.7 થી રૂ.8 સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા
આગામી 1 એપ્રિલથી વાહનોમાં ઈંધણ સ્વરૂપે વપરાતા સીએનજી અને ઘર વપરાશમાં વપરાતા પીએનજીના ભાવમાં રૂ.7 થી રૂ.8 સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા ગેસ વર્તુળોએ વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે કિરીટ પારેખ કમિટીનો ભાવનો અહેવાલ સ્વીકારી લીધો હોવાની સંભાવના છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે. કેન્દ્ર સરકારે નિયુક્ત કરેલી કિરીટ પારેખ કમિટી દ્વારા ભારતમાં મોટાભાગના ગેસના સ્થાનિક ટોચના ભાવમાં 6.50 ડોલર એમએમબીટીયુ ભાવની મર્યાદા બાંધવા નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
રૂ.10 કે તેથી વધુ રકમનો ઘટાડો આવવાની શક્યતા હતી
જો કે ગેસ બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર ગેઈલના ટેરિફમાં કેન્દ્ર સરકારે ઘણો વધારો કર્યો છે. પાઈપલાઈનથી ગેસ લાવવામાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે. તેના કારણે સીએનજી અને પીએનજીમાં ભાવ ઘટાડો થશે. પરંતુ તે હવે રૂ.7 થી રૂ.8 સુધી મર્યાદિત રહેશે. અન્યથા રૂ.10 કે તેથી વધુ રકમનો ઘટાડો આવવાની શક્યતા હતી.
25 લાખ પીએનજી અને 11 લાખ સીએનજી ધારકોને લાભ
રાજ્યમાં સીએનજીનો ઈંધણ તરીકે ઉપયોગ કરીને ચાલતા વાહનોની સંખ્યા 10 થી 11 લાખ જેટલી છે. આ તમામ વાહનચાલકોને સીએનજીના ભાવ ઘટવાથી ફાયદો થશે. જ્યારે પીએનજી કનેક્શનની સંખ્યા સમગ્ર રાજ્યમાં 25 લાખ જેટલી છે. જેમાં ગુજરાત ગેસ પાસે 18 લાખ ગ્રાહકો, અદાણી ગેસ પાસે 3 લાખ જેટલા ગ્રાહકો છે. બાકીના અન્ય ગેસ કંપનીના ગ્રાહકો છે. આ તમામ પીએનજીધારકોને પણ ભાવ ઘટાડાનો લાભ મળશે.