ત્રિશુલ જેવી આકૃતિ દેખાતા ડીસાના ઝેરડામાં ખેડૂતના પાડાના બચ્ચાની કિંમત પાંચ લાખ રૂપિયા બોલાઈ
પાલનપુર: ડીસા તાલુકાના ઝેરડા ગામે પાડાના બચ્ચાના પીઠ પર ત્રિશુલ જેવો આકાર જોવા મળતા હાલમાં પાડાના બચ્ચાની કિંમત પાંચ લાખ રૂપિયા જેટલી બોલાઈ રહી છે. લોકોમાં પણ આ ઘટના જોઇ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ખેડૂતે જીવીશ ત્યાં સુધી સેવા કરવાનું જણાવ્યું
આજ ના યુગમાં એવી અનેક અકલ્પનીય ઘટનાઓ સામે આવતી હોય છે કે, જેના કારણે લોકો આશ્ચર્યચકિત પામી જતા હોય છે. ખાસ કરીને આજે દરેક ધર્મના લોકો ભગવાનની આસ્થામાં સૌથી વધુ માનતા હોય છે. જેના કારણે કેટલીકવાર બનતી અકલ્પનીય ઘટનાઓને લઇ લોકોમાં એક આસ્થા ઉભી થતી હોય છે. ત્યારે ડીસા તાલુકાના ઝેરડા ગામે ખેડૂતના ખેતરમાં એક ભેંસે પાડાને જન્મ આપ્યો હતો. જન્મ આપવાની સાથે જ આ પાડાના શરીર પર ત્રિશૂળ જેવો આકાર જોવા મળ્યો હતો. જેના કારણે આ ઘટનાની જાણ આજુબાજુના ખેડૂતોને થતા લોકો આ પાડાને જોવા માટે દોડી આવ્યા હતા. અને પાડાના વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જે બાદ આ પાડાને લઇ લોકોમાં આસ્થા ઊભી થઈ હતી. અને જોતજોતામાં આ પાડાની કિંમત પાંચ લાખ રૂપિયા જેટલી બોલાઈ હતી. પરંતુ ખેતર માલિક હાલ જણાવી રહ્યા છે કે, મને આ પાડા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. હું કોઈપણ સંજોગોમાં આ પાડાને વેચવાનો નથી. હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ પાડાની સેવા કરીશ.