પાકિસ્તાનમાં ઈરાનના પ્રમુખનું રેડ કાર્પેટ સ્વાગત, યુદ્ધના માહોલ વચ્ચે સૂચક મુલાકાત
- 7 વર્ષ બાદ ઈરાનના પ્રમુખ અને પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત
- પાકિસ્તાને ઈરાનના પ્રમુખનું સ્વાગત કરતા અમેરિકા છે ગુસ્સે
ઈસ્લામાબાદ, ૨૨ એપ્રિલ: ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાયસી ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ઈરાનના નેતાઓ સાથે સત્તાવાર બેઠક માટે પડોશી દેશ પાકિસ્તાન પહોચ્યા છે. ઈસ્લામાબાદના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે મંત્રણા દ્વિપક્ષીય સંબંધો અને વેપાર, કનેક્ટિવિટી, ઊર્જા અને કૃષિ ક્ષેત્રે સહયોગને મજબૂત કરવા માટે “મહત્વપૂર્ણ તક” પૂરી પાડશે. ઈરાનના પ્રમુખ ડૉ. ઈબ્રાહિમ રાયસી સોમવારે પાડોશી દેશ પાકિસ્તાનની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા હતા. 7 વર્ષ બાદ ઈરાનના પ્રમુખ અને પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત છે.
ઈરાનના પ્રમુખનું રેડ કાર્પેટ સ્વાગત થયું
ઈરાનના પ્રમુખનું ઈસ્લામાબાદ એરપોર્ટ પર રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના ઘણા મંત્રીઓ પ્રમુખ રાયસીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. ઈરાનના પ્રમુખ રાયસીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે તેમનો દેશ ઈઝરાયેલ અને અમેરિકા સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઈરાની પ્રમુખ ઈઝરાયેલ સાથે મિસાઈલ યુદ્ધ બાદ આ પ્રવાસ રદ્દ કરી શકે છે, પરંતુ રાયસી હવે પાકિસ્તાન પહોંચી ગયા છે. એવું માનવામાં આવે છે કે ઈરાનના પ્રમુખે અમેરિકા અને ઈઝરાયેલને સંદેશ આપવા માટે આ પ્રવાસ શરૂ કર્યો છે. આ દરમિયાન પાકિસ્તાને ઈરાનના પ્રમુખનું સ્વાગત કરતા અમેરિકા ગુસ્સે છે.
ઈરાનના પ્રમુખ આગામી 3 દિવસ સુધી પાકિસ્તાનમાં રહેશે અને ગેસ પાઈપલાઈનથી લઈને સમગ્ર વિસ્તારની સ્થિતિ પર પાકિસ્તાન સાથે ચર્ચા કરશે. આ પહેલા પાકિસ્તાન અને ઈરાન બંનેએ એકબીજા પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. જેના કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ હતો. આ મુલાકાત દ્વારા ઈરાનના પ્રમુખ તણાવને ખતમ કરવાનો પ્રયાસ કરશે. ઈરાનના પ્રમુખ સાથે અનેક મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પણ પાકિસ્તાન પહોંચી ગયા છે.
અમેરિકા પાકિસ્તાન પર ગુસ્સે થઈ ગયું
ઈઝરાયલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના પ્રમુખનું સ્વાગત કરવા બદલ અમેરિકા પાકિસ્તાન પર નારાજ છે. અમેરિકાએ હાલમાં જ ઈરાન પર ઘણા નવા પ્રતિબંધો લગાવ્યા છે. જેથી તેને અલગ કરી શકાય. સાથે જ પાકિસ્તાને રાયસીનું સ્વાગત કરીને અમેરિકાના ઈરાદા બગાડ્યા છે. આનાથી અમેરિકા નારાજ છે. પાકિસ્તાને અમેરિકાને કહ્યું છે કે ઈરાનના પ્રમુખની આ મુલાકાત ઈઝરાયેલ સાથે મિસાઈલ યુદ્ધ પહેલા જ નક્કી કરવામાં આવી હતી. આ મુલાકાત પહેલા જ અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો અને ચીન સહિત 4 કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો જેમના પર પાકિસ્તાની મિસાઈલ પ્રોગ્રામમાં મદદ કરવાનો આરોપ હતો.
આ પણ વાંચોઃ પત્નીની નજર સામે કર્યું દુષ્કર્મ અને પછી ધર્માંતર માટે દબાણઃ આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ