હાઈફાઈ ચોર ઝડપાતા ગુજરાતમાં અનેક ચોરીનો ભેદ ઉકેલાવાની શક્યતા
- 38.15 લાખની માતબર રકમની ચોરીને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી
- ચોર મુંબઈથી ચોરી કરવા બાય પ્લેન ગુજરાત આવતો
- 15.87 લાખ રોકડા અને 5 હજારનો ફોન મળી કુલ 99.53 લાખનો મુદ્દામાલ કબ્જે
હાઈફાઈ ચોર ઝડપાતા ગુજરાતમાં અનેક ચોરીનો ભેદ ઉકેલાવાની શક્યતા છે. જેમાં હાઈફાઈ ચોર મુંબઈથી ગુજરાત બાય પ્લેન ચોરી કરવા આવતો હતો. તેમાં શાહપુરમાં 38 લાખની ચોરી કરનાર આરોપીને મહારાષ્ટ્રથી દબોચ્યો છે. LCB-1ને ચોરીનો ભેદ ઉકેલીને 99.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કેમ વધી રહી છે આટલી ઠંડી
ચોર મુંબઈથી ચોરી કરવા બાય પ્લેન ગુજરાત આવતો
ગાંધીનગર તાલુકાના શાહપુરમાં 38 લાખની ચોરી કરનાર આરોપીને મહારાષ્ટ્રથી દબોચ્યો તેની સાથે અનેક સનસનીભરી વિગતો સામે આવી છે. જે જાણી પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ છે. આ હાઈફાઈ ચોર મુંબઈથી ચોરી કરવા બાય પ્લેન ગુજરાત આવતો અને ચોરી પણ નાની સૂની નહી , લાખોમાં જ હાથ મારતો હતો. મોંઘી-મોંઘી હોટલોમાં ઉતરતો અને મુંબઈમાં પણ તે વૈભવી લાઈફસ્ટાઈલ જીવતો હોવાની વિગતો જાણીને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ છે. આરોપી સામે મહારાષ્ટ્રમાં 33 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે ગુજરાતમાં પણ અનેક સ્થળે ચોરી કરી હોવાનો ખુલાસો થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: વડોદરામાં મોડી રાત્રે માંડવી મેઇન રોડ પર ઇમારત થઈ ધરાશયી
38.15 લાખની માતબર રકમની ચોરીને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી
ગાંધીનગર તાલુકાના શાહપુર વિસ્તારમાં આવેલા વિધાતા બંગ્લોઝ નંબર-909 ખાતે 22 દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી. 38.15 લાખની માતબર રકમની ચોરીને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી રવિતેજા વાસમસેટ્ટી દ્વારા એલસીબી પીઆઈ ડી.બી. વાળાએ તપાસનો ધમધમાટ ચલાવવા આદેશ કર્યો હતો. જેને પગલે એલસીબી-1ની અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ અને હ્યુમન સોર્સ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં મુંબઈના ચેતન માનીકરાવ થુલકરનું (રહે-જમશેદજી ટાટા રોડ) નામ સામે આવ્યું હતું. જેના આધારે એલસીબી-1 ટીમ મુંબઈ પહોંચી હતી, જ્યાં ગાવદેવી પોલીસ સ્ટેશનથી આરોપીનો ગુનાહિત ઈતિહાસ કઢાવતા તે રીઢો ગુનેગાર હોવાનો ખુલાસો થયો હતો.
15.87 લાખ રોકડા અને 5 હજારનો ફોન મળી કુલ 99.53 લાખનો મુદ્દામાલ કબ્જે
આરોપી મહારાષ્ટ્રના વર્ધામાં હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ત્યાં પહોંચીને તેને દબોચી લીધો હતો. 15 ફેબ્રુઆરીના રોજ આરોપીને ઝડપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જોકે રીઢા ચોર ચેતન થુલકર પાસેથી માહિતી કઢાવતા પોલીસની આંખે પાણી આવી ગયું હતું. હિસ્ટ્રીશીટર હોઈ આરોપી રિમાન્ડ દરમિયાન કોઈ જ સહકાર આપતો ન હતો. જોકે એલસીબી-1ની ટીમે સુઝબુઝથી આરોપી પાસેથી ધીરે-ધીરે બધી માહિતી કઢાવી હતી. તેમાં શાહપુરમાં ચોરીની કબૂલાતમાં તેણે ખુલાસો કર્યો હતો કે ચોરીના થોડા દિવસો પહેલાં આરોપીએ વિધાતા બંગ્લોઝમાં રેકી કરી હતી. ચોરીને અંજામ આપ્યા બાદ તે મહારાષ્ટ્ર જતાં રસ્તામાં પકડાઈ ન જાય તે માટે રોકડ અને દાગીના બેગમાં ભરીને સાબરમતી નદીના કોતરોમાં જંગલ વિસ્તારમાં ઝાડી-ઝાંખરમાં ખાડો કરીને દાટી દીધા હતા. જે મુદ્દામાલ પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન રિકવર કર્યો છે. આરોપી પાસેથી પોલીસે કુલ 83.10 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, 15.87 લાખ રોકડા અને 5 હજારનો ફોન મળી કુલ 99.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.