રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે, મોંઘવારી હજુ વધારે વધશે. તેમનું કહેવું છે કે મોંઘવારી હજુ તેની ટોચે પહોંચી નથી. રાજને આ વાત અમેરિકામાં મોંઘવારીના આંકડા બાદ કહી છે. અમેરિકામાં મે મહિનાના ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. એપ્રિલમાં તે 8.3 ટકા હતો. જે મે મહિનામાં વધીને 8.6 ટકા થયો હતો. આ સાથે અમેરિકામાં મોંઘવારી 4 દાયકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.
મંદી વિશે આ વાત કહી
રઘુરામ રાજને મંદી વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, જરૂરથી મંદીને ટાળી શકાય છે પરંતુ હવે પછી હળવી મંદીની શક્યતા નકારી શકાય તેમ નથી. અમેરિકાના સંદર્ભમાં તેમણે કહ્યું કે, મંદીથી બચવા માટે ફેડરલ રિઝર્વ (રિઝર્વ બેંક ઓફ ધ યુએસ)એ મોટા પગલા ભરવા પડશે. તેમણે યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) વિશે કહ્યું કે, તેમની પાસે ઘણા વિકલ્પો બાકી રહ્યા નથી. રાજનના મતે યુરોમાં નબળાઈને કારણે આયાતી ફુગાવાનું જોખમ વધી ગયું છે અને ઈસીબીએ સમયસર કાર્યવાહી કરવી પડશે.
ક્રૂડ ઓઈલમાં વધારાની અસર યથાવત
રાજને કહ્યું કે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની હજુ થોડી અસર થવાની બાકી છે. તેમણે કહ્યું કે નાણાકીય બજારમાં ઘટાડો થયો છે અને આ ઘટાડો ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે. રઘુરામ રાજન હાલમાં શિકાગો યુનિવર્સિટીમાં બૂથ સ્કૂલ ઑફ બિઝનેસમાં ફાઇનાન્સના પ્રોફેસર છે. તેમણે 2008માં નાણાકીય કટોકટી અંગે સંકેત આપ્યા હતા. આ સિવાય ભારતમાં આરબીઆઈના ગવર્નર તરીકે ફરજ બજાવતા તેમણે બેંકોની બેડ લોનની સમસ્યાનો પર્દાફાશ કર્યો હતો.
ભારતમાં ફુગાવો
ભારતમાં મે મહિનામાં જાહેર કરાયેલા આંકડા અનુસાર ગ્રાહક ભાવ સૂચકાંક એપ્રિલમાં વધીને 7.79 ટકા થયો હતો. તેના પરથી છૂટક ફુગાવાનો દર નક્કી થાય છે. જ્યારે મે 2014 પછી નોંધાયેલો આ સૌથી વધુ સીપીઆઈ છે. જ્યારે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મેથી જૂન સુધી આરબીઆઈએ રેપો રેટમાં બે વખત વધારો કર્યો છે. આરબીઆઈએ 4 મેના રોજ રેપો રેટમાં 0.40 ટકા અને 8 જૂનના રોજ 0.50 ટકાના વધારાની જાહેરાત કરી હતી. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આરબીઆઈ આવનારા સમયમાં દરોમાં વધુ વધારો કરશે.