કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષ

જામનગર : રોડ પર ગરબા રમવા પડ્યા ભારે, પોલીસે સંચાલક અને કોરિયોગ્રાફરની કરી અટકાયત

Text To Speech

સોશિયલ મીડિયામાં રોજબરોજ હજારો વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં જામનગરનો પણ એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં એક ગરબા ગ્રુપ રસ્તાની વચ્ચોવચ ગરબા રમતા જોવા મળ્યા હતા. આ વિડીયો વાયરલ થયા બાદ ઘણા લોકો દ્વારા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જો કે, જામનગરમાં ચર્ચાનો વિષય બનેલો આ ગરબાના વિડીયોને લઈ હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવી છે.

જાહેર માર્ગ પર ગ્રુપમાં યુવક યુવતીઓએ ગરબા રમ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર,જામનગરના બેડી બંદર રોડ કેટલાક યુવક અને યુવતીઓ રસ્તાની વચ્ચોવચ્ચ ગરબે ઘૂમ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો. બેડી બંદર રોડ પર ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે. તેવામાં રસ્તો રોકીને ગરબા ગાતા યુવકો-યુવતીઓનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી. જેથી આ મામલે પોલીસ એક્શન મોડમાં આવી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ ગરબા ગ્રુપનું નામ‘રાસરસીયા ગરબા ક્લાસીસ’ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસ દ્વારા આ ગરબા કરાવતા સંચાલક અને કોરીયોગ્રાફરની પોલીસે અટકાયત કરી છે.

પોલીસે સંચાલક અને કોરીયોગ્રાફર વિરુદ્વ કાર્યવાહી કરી

આ સમગ્ર બાબતે પોલીસે તપાસ કરી “રાસ રસીયા ગરબા કલાસીસ”ના સંચાલક તથા કોરીયોગ્રાફરની અટકાયત કરી તેઓને સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. તેઓ સામે કલમ 151 હેઠળના પગલાં લેવામાં આવ્યા છે. સાથે જ કાયદેસરની કાર્યવાહી જામનગર સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત જામનગરના તમામ નાગરીકો અને યુવા વર્ગને અપીલ કરાઈ હતી કે, સહેલાઇથી પ્રસિધ્ધી મેળવવાની ઇચ્છામા કાયદાનું ઉલ્લઘન કરશો નહીં, અને સોશ્યલ મીડિયાના ઉપયોગ વખતે તમામ નીયમોનું પાલન કરશો. જેનો ભંગ થયો જણાશે, તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી અપાઇ છે.

આ પણ વાંચો : સ્થાનિક પોલીસ ઉંધતી ઝડપાઈ, સુરેન્દ્રનગર SOGએ ડ્રગ્સના જથ્થા સાથે 3ને ઝડપ્યા

Back to top button