ટ્રેન્ડિંગનેશનલ

ખૂંખાર આરોપીને પકડવા પોલીસે રાખ્યું 50 પૈસાનું ઈનામ!

જયપુર (રાજસ્થાન), 13 ફેબ્રુઆરી: રાજસ્થાન પોલીસનો એક આદેશ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રાજસ્થાન પોલીસે ગુનેગાર પર 50 પૈસાનું ઈનામ જાહેર કર્યું છે. ઈનામની આ રકમ ગુનેગારની ધરપકડ કરનાર વ્યક્તિને આપવામાં આવશે. ઓર્ડરની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ આદેશ પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓ પોલીસને પૂછે છે કે 50 પૈસાના ઈનામ માટે પોલીસને કોણ જાણ કરી શકે. જોકે હવે પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે.

SPએ 50 પૈસા ઈનામ રાખવાનું કારણ આપ્યું

ખુદ એસપી દેવેન્દ્ર કુમારે લોકોને આ વિચિત્ર આદેશ પાછળનું કારણ જણાવ્યું. તેમણે નિયમોને ટાંકીને પોતાની દલીલ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે રાજસ્થાન પોલીસ નિયમો 1965ની કલમ 4.8માં અપાયેલી સત્તાઓને કારણે આવો આદેશ જારી કરવામાં આવ્યો છે. યોગેશ ઉર્ફે યોગી નામના આરોપી વિરુદ્ધ સિંઘણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે. તે ઘણા દિવસોથી ફરાર હતો. એસપીના મતે, પચાસ પૈસાના ઈનામથી ગુનેગારને તેનું મૂલ્ય સમજાય એ માટે આ આદેશ જારી કરાયો છે. તેનાથી આરોપીને સમજાશે કે સમાજમાં તેનું કેટલું ઓછું મૂલ્ય છે.

આર્મ્સ એક્ટ હેઠળ ગુનેગાર વોન્ટેડ

મળતી માહિતી મુજબ, ઝુંઝુનુ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો ગુનેગાર યોગેશ ઉર્ફે યોગી ઘણા સમયથી ફરાર હતો. તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વારંવાર સમન્સ જારી કરવા છતાં તે કોર્ટમાં હાજર થઈ શકતો નથી. આવી સ્થિતિમાં કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરી તેની ધરપકડનો આદેશ આપ્યો છે. બીજી તરફ વારંવારના દરોડા છતાં આ ગુનેગાર વિશે કોઈ પતો  ન મળતા પોલીસે હવે તેની સામે ઈનામ જાહેર કર્યું છે.

12 ફેબ્રુઆરીએ જારી કર્યો હતો આદેશ

બે દિવસ પહેલા એટલે કે 12 ફેબ્રુઆરીએ એસપી દેવેન્દ્ર કુમારના હસ્તાક્ષર હેઠળ જારી કરાયેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ વોન્ટેડ ગુનેગાર વિશે માહિતી આપશે અથવા તેની ધરપકડમાં સહયોગ કરશે તેને ઝુંઝુનુ પોલીસ દ્વારા 50 પૈસાનું ઈનામ આપશે. જો કે, સોશિયલ મીડિયા પર લોકોએ પોલીસના આ આદેશ પર ઝાટકણી કાઢી છે. એવું કહેવામાં આવ્યું છે કે એક ચા 10 રૂપિયામાં પણ મળે છે. એક રોટલીની કિંમત પણ આઠથી દસ રૂપિયા છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ માત્ર 50 પૈસામાં પોલીસને કેમ જાણ કરશે? આટલા પૈસાથી કોઈ વ્યક્તિ ગુનેગાર પાસેથી દુશ્મની કેવી રીતે ખરીદી શકે?

આ પણ વાંચો: પોલીસ અધિકારીઓ હનીટ્રેપની જાળમાં ફસાયા, મહિલાએ આ રીતે લૂંટ્યા 1 કરોડ રૂપિયા

Back to top button