અમદાવાદ, 07 જુલાઈ 2024, આજે સમગ્ર ગુજરાત ભગવાન જગન્નાથના રંગે રંગાયું છે. અમદાવાદમાં 147મી રથયાત્રામાં ભક્તોને દર્શન આપવા નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા છે. વહેલી સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યારે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું હતુ. ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની રથયાત્રા શાંતિ અને સલામતિ સાથે યોજાય તેની સંપૂર્ણ તૈયારીઓ કરી હોવાનું જણાવી સૌને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે આજે પોલીસની સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે.રથયાત્રાના રૂટ વચ્ચે એમ્બ્યુલન્સ આવી જતાં પોલીસે તાત્કિાલિક એમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો હતો.
શક્ય એટલો જલ્દીથી ઈમરજન્સી વાહનને રસ્તો કરી આપ્યો
અમદાવાદમાં રથયાત્રાની સાથે રહેલા ટ્રક જ્યારે કાલુપુરમાં પહોંચ્યા હતા ત્યારે અચાનક એક એમ્બ્યુલન્સનો અવાજ આવવા લાગ્યો હતો. આ સાથે જ ત્યાં હાજર પોલીસ અને જાગૃત નાગરિકો એક્ટિવ થઈ ગયા હતા અને રસ્તો કરવા લાગ્યા હતાં. થોડો સમય લાગ્યો પરંતુ શક્ય એટલો જલ્દીથી ઈમરજન્સી વાહનને રસ્તો કરી આપ્યો હતો. રથયાત્રામાં મોટો પ્રમાણમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યો છે, પંરતુ આ ઘોડાપૂર વચ્ચે એકાએક ઈમરજન્સી એમ્બ્યુલન્સ આવી જતા પોલીસ કર્મીઓ અને લોકોએ પોત પોતાની ફરજ દાખવી શક્ય એટલો જલદી રસ્તો કરી આપ્યો હતો.
23,600 જવાનો બંદોબસ્તમાં તૈનાત કરાયા
રથયાત્રામાં પહેલી વખત શહેર પોલીસ સીસીટીવી કેમેરાની સાથે 14 જગ્યાએ 46 ફેસ રેકગ્નિશન સિસ્ટમ એટલે ચહેરો ઓળખતા કેમેરા, 11 જગ્યાએ પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમ અને 2 જગ્યાએ ઈમરજન્સી કોલ બોક્સનો ઉપયોગ થયો છે.આખી રથયાત્રાનું પોલીસ થ્રી ડી મેપિંગ કરે છે. જેમાં આખા રૂટ પર દરેક મકાન, રોડ તેમજ લોકોના ચહેરા પણ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા દેખાય છે. આખી રથયાત્રાનું 5 હજાર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થઈ રહ્યું છે.રથયાત્રામાં જોડાનારી 101 ટ્રકમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યા છે.રથયાત્રાના સમગ્ર રુટ પર DG, ADG, IG અને DIG કક્ષાના 5 અધિકારીઓ તેમજ 12,600 પોલીસો સહિત 23,600 જવાનો બંદોબસ્તમાં તૈનાત કરાયા છે.
18 ગજરાજાની આગેવાનીમાં રથયાત્રા
અમદાવાદમાં 18 ગજરાજાની આગેવાનીમાં રથયાત્રા ભજન અને જય રણછોડના નાદ વચ્ચે આગળ વધી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાઈ છે. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનને આવકારવા અને તેમનાં દર્શન માટે ઊમટી રહ્યા છે.
આ પણ વાંચોઃઅમદાવાદમા રથયાત્રાના રૂટ પર પોલીસની ચાંપતી નજર, જુઓ કેવી રીતે થાય છે મોનિટરિંગ