પાલનપુર જનતાનગરની જનતા 10 કલાક પાણીમાં ઘેરાયેલી રહી
પાલનપુર: પાલનપુર શહેરના વોર્ડ નંબર-4 માં આવેલ જનતાનગર વિસ્તારમાં બે દિવસથી વરસતા ભારે વરસાદે ખાનાખરાબી કરી હતી. આ વિસ્તારના સેંકડો ઘરોમાં ચારથી પાંચ ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અને 10 કલાક સુધી આ વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યું હતું. તમામ ઘરોમાં ભરાયેલા પાણીના કારણે ઘરમાં રહેલી ઘરવખરી તેમજ ખાવા પીવાની તમામ ચીજ વસ્તુઓ નાશ પામી હતી.
એટલું જ નહીં આ વિસ્તારના ચૂંટાયેલા પાલિકાના કોર્પોરેટર અફશાના બેનના ઘરમાં પણ ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું. આ વિસ્તારના લોકોએ રજૂઆત કરવા છતાં કોઈ કોર્પોરેટર કે તંત્રના અન્ય અધિકારીઓ કે ચીફ ઓફીસર આ વિસ્તારમાં ફરક્યા ન હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો. અહીંના લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ‘પાલનપુર નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટ અને પ્રિમોન્સૂનન ની આવેલી ગ્રાન્ટમાંથી લોકોએ ખિસ્સા ખિસ્સા ભર્યા છે. અને પ્રજાની કોઈ ચિંતા કરી નથી. જિલ્લામાં રેડ એલર્ટ હતું. ત્યારે અચાનક ભારે વરસાદ પડ્યો હતો. અને ઘરોમાં પાણી ભરાયા હોવા છતાં કોઈ અધિકારી કે પાલિકાના ચીફ ઓફિસર કોઈ આ વિસ્તારમાં જોવા પણ આવ્યા ન હતા. આમ તમામ લોકો નિષ્ફળ નિવડ્યા હતા. આ વિસ્તારમાં લોકોનો તમામ સામાન પાણી ભરાવાથી નાશ પામ્યો છે. લોકો ખાવા -પીવા ની હાલમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો કોર્પોરેટરના ઘરમાં પાણી હોય તો સામાન્ય પ્રજાની શું દશા થાય ? પાલનપુર નગરપાલિકાએ જાગૃત થવું પડશે. અને જાગૃત નહીં થાય તો ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિ નિર્માણ થાય તેવી આશંકા રહેલી છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં લમ્પીમાં સપડાયેલા વધુ 16 પશુઓના નીપજ્યા મોત
જો કે, મોડે વરસાદ બંધ રહેતા પાલિકાના કર્મચારીઓ સાધનો લઈને પહોંચ્યા હતા. અને ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કરાવ્યો હતો. પરંતુ દસ કલાક સુધી આ વિસ્તારના લોકોને પાણીમાં રહી ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી.