મોરબીવાસીઓએ સાચા અર્થમાં “સ્વચ્છાગ્રહ” કરી બતાવ્યો!
મોરબી, ૩૧ ઓક્ટોબર : સરકાર દ્વારા દેશની જનતાને જે ‘સ્વચ્છાગ્રહ’ કરવામાં આવી રહ્યો છે તેમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન દ્વારા જનભાગીદારીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં હળવદ શહેરના નાગરિકોએ હળવદના ૫૦૦ વર્ષ જુના સામંતસર તળાવની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી જન ભાગીદારીનું એક આદર્શ ઉદાહરણ ઊભું કર્યું છે.
હળવદના લોકો વહેલી સવારે અહીં ચાલવા આવે ત્યારે તે તળાવનું સૌંદર્ય અને તાજગી જોઈ પ્રફુલિત બની જાય છે. ત્યારે આવા મહામૂલા સામંતસર તળાવમાં કે તળાવની કાંઠે ગંદકી કેમ શોભે ? બસ આવા જ ઉમદા વિચાર સાથે હળવદમાં સામંતસર તળાવની કાંઠે શરૂ થયો સ્વચ્છતા યજ્ઞ. ૧૫ સપ્ટેમ્બર થી આ સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ૧૦-૧૫ લોકોએ મળીને આ શરૂઆત કરી હતી. જેમાં હવે દરરોજ ૩૦થી વધુ લોકો જોડાય છે અને તળાવમાંથી લીલ, ઘાસ, પ્લાસ્ટિકનો કચરો, લોકોએ પધરાવેલી ધાર્મિક સામગ્રી, ગરબા, ચુંદડી વગેરે વસ્તુઓ હટાવી તેનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી હાથ ધરે છે.
હળવદના હેપી મોર્નિંગ ગૃપના સભ્યો, શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના સેવકો, ગોરી દરવાજાના યુવાનો, પ્રબુદ્ધ નાગરિકો, ડોક્ટર, રીટાયર્ડ ફોજી, વેપારીઓ, બિલ્ડર્સ, નિવૃત્ત અધિકારીઓ/કર્મચારીઓ, ખેડૂતો અને હળવદના નાગરિકો પણ સ્વૈચ્છિક રીતે આ કાર્યમાં જોડાઈ રહ્યા છે. આ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ થયો ત્યારથી લઇ અને આજ સુધી દરરોજ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી એમ ૨ કલાક આ તમામ ગૃપના સભ્યો અને હળવદના નાગરિકો સ્વૈચ્છિક રીતે શ્રમદાન કરે છે અને તળાવને સ્વચ્છ બનાવવા ભગીરથ પ્રયાસો કરે છે. આ લોકોની પહેલ અને આ પ્રયાસોને સફળતા પણ મળી રહી છે લોકો આ કામગીરી પરથી પ્રેરણા લઈ સ્વચ્છતા માટે કટિબદ્ધ બની રહ્યા છે. તળાવમાં ગંદકીના કારણે જતા રહેલા અનેક પક્ષીઓ પણ ફરી પાછા તળાવમાં આવી ગયા છે અને રહેઠાણ બનાવી વસવાટ કરી રહ્યા છે. સાથે જ પ્રાણીઓં અને ઢોરઢાંખર પણ તળાવનું પાણી પીવા લાગ્યા છે.
સવારે વોકિંગ કરવા આવતા લોકોએ અહીંની ગંદકી જોઈ અને લોકોની સુવિધા માટે આ તળાવને સ્વચ્છ બનાવવાનો વિચાર અને નિર્ધાર કર્યો બસ આ વિચારની સાથે જ આરંભ થયો આ અનન્ય સ્વચ્છતા યજ્ઞનો. આજે લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે, ક્યાંય પણ કચરો કે ગંદકી દેખાય તો કોઈ આ કચરો હટાવતું કેમ નથી? અહીંયા લોકો ગંદકી કેમ કરે છે ? બસ આજ વિચારો કરી પરિસ્થિતિ સાથે સમાધાન કરી લે છે. જ્યારે ખરેખર જરૂર છે આવા સમયે બસ એક પહેલ કરવાની. સામંતસર તળાવની સફાઈ કરવા માટે એક પહેલ થઈ અને ત્યારબાદ લોકો સ્વૈચ્છિક રીતે આ કામગીરીમાં જોડાવા લાગ્યાને ધીરે ધીરે સામંતસર તળાવ ફરીથી રળિયામણું બનવા લાગ્યું.
હળવદના હેપી મોર્નિંગ ગૃપના સભ્યો, શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના સેવકો, ગોરી દરવાજાના યુવાનો, પ્રબુદ્ધ નાગરિકો, ડોક્ટર, રીટાયર્ડ ફોજી, વેપારીઓ, બિલ્ડર્સ, નિવૃત્ત અધિકારીઓ/કર્મચારીઓ, ખેડૂતો અને સેવાભાવી લોકો એમ સૌએ આ સ્વચ્છતા યજ્ઞમાં પોતાના કિંમતી સમયની આહુતિ આપી રહ્યા છે અને હળવદના નાગરિકો પણ સ્વૈચ્છિક રીતે આ કાર્યમાં જોડાઈ રહ્યા છે.
આ તમામ સ્વચ્છાગ્રહીઓ દ્વારા પાઇપ, વાંસ, જાળી વગેરે દ્વારા બનાવેલા સાધનોથી તળાવની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. ઉપરાંત હુડકા દ્વારા પણ તળાવની અંદર જઈ શેવાળ સહિતની ગંદકી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્વચ્છતાની આ કામગીરીમાં હળવદ નગરપાલિકા દ્વારા પણ પૂરતો સહયોગ કરવામાં આવી રહ્યો છે. નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરથી આ તમામ ગંદકી ઉપાડી ડમ્પિંગ સાઈટ ઉપર તેનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે,ડમ્પીંગ સાઈટ સિવાય શેવાળનો આ કચરો ખેડૂતો પણ લઈ જાય છે કારણ કે, પ્રાકૃતિક ખેતીની દ્રષ્ટિએ શેવાળ એ પાક માટે ખાતર તરીકે ખૂબ જ જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે જેથી આ વેસ્ટ માંથી બેસ્ટ પણ મળી રહે છે.
આ પહેલને લઈને સ્થાનિકોનો અભિપ્રાય આ મુજબનો છે…
પ્રજા દ્વારા તળાવ સાફ કરવાનું આ પહેલું અભિયાન સમગ્ર ગુજરાતમાં એક નવી દિશા પૂરી પાડશે
સૌ હળવદવાસીઓએ જનભાગીદારીથી આ કાર્ય ઉપાડી લીધું છે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનની પરથી પ્રેરણા લઈ તળાવને સાફ કરવાની શરૂઆત કરી
અમે બધાએ સાથે મળી અને છેલ્લા ૪૨ દિવસથી તળાવમાં સાફ સફાઈ કરી રહ્યા છીએ
રોજ રોજ આ ગંદકીને જોઈને થયું કે આપણે થોડું-થોડું સાફ કરવાનું ચાલુ કરીએ તળાવમાં ગંદકી ઓછી થઈ શકે
આ પણ વાંચો : CRPF મહિલા બાઈકર્સનો એકતાનગરમાં દિલધડક શો