વકફ સંબંધિત સંસદીય અહેવાલ ગૃહમાં આ તારીખે થશે રજૂ, સરકારે કરી લીધી તૈયારી
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![Waqf Board](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/09/Waqf-Board-.jpg)
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી : વકફ સંબંધિત સમિતિનો અહેવાલ ટૂંક સમયમાં ગૃહના ટેબલ પર રજૂ કરવામાં આવનાર છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વકફ સંબંધિત સંસદીય અહેવાલ બજેટ સત્રના અંતિમ દિવસે 13 ફેબ્રુઆરીએ ગૃહમાં રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ સંસદીય સમિતિએ બહુમતી સાથે રિપોર્ટ સ્વીકારી લીધો હતો. આ અહેવાલમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા સુધારાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ ઓમ બિરલાને સોંપવામાં આવ્યો છે
વકફ સુધારા બિલની સમીક્ષા કરતી સંસદની સંયુક્ત સમિતિ (JPC)નો અહેવાલ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો છે. જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે સમિતિનો રિપોર્ટ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સોંપ્યો હતો. મહત્વનું છે કે વક્ફ સંશોધન બિલ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, વિપક્ષના હોબાળા વચ્ચે બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું.
અહેવાલ બહુમતી દ્વારા સ્વીકારવામાં આવ્યો
જેપીસીએ 655 પાનાના વકફ રિપોર્ટને 15-11ની બહુમતી સાથે સ્વીકાર્યો હતો. તેમાં ભાજપના સભ્યોએ આપેલા સૂચનો છે. જો કે વિપક્ષી સભ્યોએ અહેવાલ સાથે અસહમતિ વ્યક્ત કરી છે. વિરોધ પક્ષો વકફ બિલને મુસ્લિમ સમુદાયના બંધારણીય અધિકારો પર હુમલો અને વક્ફ બોર્ડના કામકાજમાં દખલ ગણાવી રહ્યા છે.
વકફ બિલ લાવવાનો હેતુ શું છે?
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વકફ મિલકતોના સંચાલનમાં આધુનિકતા, પારદર્શિતા અને જવાબદારી લાવવાના ઉદ્દેશ્ય સાથે વકફ સંશોધન બિલ સંસદમાં રજૂ કર્યું હતું. આ બિલનો ઉદ્દેશ વકફ પ્રોપર્ટીના નિયમન અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલા મુદ્દાઓ અને પડકારોને સંબોધવા માટે વકફ એક્ટ, 1995માં સુધારો કરવાનો છે.
આ પણ વાંચો :- શ્રી વાજપાઇ બેંકેબલ યોજના : જાણો ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં કેટલી સબસીડી સહાય અપાઈ