વડોદરા મહાનગરપાલિકાનું વિરોધપક્ષ છીનવાશે!, રાજકોટ, જુનાગઢ બાદ હવે વડોદરામાં પણ…
- રાજકોટ-જુનાગઢ મહાનગરપાલિકામાં વિરોધપક્ષને મળતી સુવિધાઓ બંધ
- કોંગ્રેસ પાસે 10 ટકા સીટ ન હોવાથી વિરોધપક્ષ છીનવાયું
- વડોદરા મહાનગરપાલિકામાં પણ વિરોધ પક્ષ સંકટમાં
વિપક્ષનું સ્થાન અને તેને મળતી સુવિધાઓને લઈને ફરી એકવાર લોકમુખે ચર્ચાનો વિષે બન્યો છે. રાજ્યમાં જુનાગઢ અને રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસને 10 ટકા બેઠકો મળી નથી તેથી તેમને સુવિધાઓ આપવી યોગ્ય નથી તેવું કારણ દર્શાવી જૂનાગઢ અને રાજકોટ મહાનગર પાલિકામાંથી વિપક્ષની સુવિધા પરત ખેંચી લેવામાં આવી છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે શું વડોદરા કોર્પોરેશનમાંથી પણ વિપક્ષને અપાતી સુવીધાઓ પરત ખેંચાશે ? આ પ્રશ્ન લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. નિયમ મુજબ વડોદરામાં પણ કોંગ્રેસ પાસે 10 ટકા બેઠક નથી.
આ બે મહાનગરપાલિકામાં વિરોધપક્ષ છીનવાયું
તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં બહુમતીના જોરે શાસકોએ વિરોધ પક્ષમાં બહુમતી ન હોવાથી એકપણ પક્ષને વિરોધ પક્ષનું પદ ન મળે તેવો નિર્ણય લઈને વિરોધ પક્ષનું પદ અને તેમને આપવામાં આવતી તમામ સુવિધાઓ પરત ખેંચી લીધી છે. આ સુવિધાઓમાં ઓફીસ, સ્ટાફ, ગાડી સહિતની સુવિધાઓ મળે છે જે સ્થગિત કરી દીધી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ પાસેથી વિપક્ષના નેતાનુ પદ છીનવાયુ છે. વડોદરામાં વિપક્ષને કાર ફાળવવામાં આવી નથી. પરંતુ ઓફિસ, પટાવાળા, વિપક્ષને પી. એ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસની 10 ટકા કરતાં ઓછી સીટ
રાજકોટ અને જૂનાગઢમાં વિપક્ષ પાસેથી સુવિધા પરત ખેંચી લેતા હવે વડોદરામાં પણ રાજકોટ અને જૂનાગઢમ જેવી સ્થિતિ થશે તેવું લાગી રહ્યું છે. અહી ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં 60 માંથી 03, રાજકોટમાં 72 માંથી 02 અને વડોદરામાં 76 માંથી 07 બેઠકો કૉંગ્રેસને મળી છે. જો નિયમ મુજબ 10 ટકા બેઠકની વાત કરીએ તો વડોદરામાં કોંગ્રેસ પાસે 8 બેઠક હોવી જરૂરી છે. જેથી 7 બેઠક હોવાના કારણે વડોદરા કોર્પોરેશનમાંથી પણ કોંગ્રેસની સુવિધા બંધ કરવામાં આવશે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. અત્રે ઉલલેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તથા દંડક અને વિપક્ષ નેતા તથા દંડકનો બંધારણીય હોદ્દો નથી.