- ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનશે
- દિવાળી મુસાફરો માટે ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ ખુલ્લો મુકાશે
- સિગ્નેચર બ્રિજનું કામ હવે તેના અંતિમ તબક્કામાં છે
દિવાળીથી ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની જશે. જેમાં છ વર્ષ લાગ્યા એટલે કોસ્ટ વધી ગઈ છે. હવે એક હજાર કરોડમાં પડશે. રાજ્યના આ પહેલાં કેબલ સ્ટેઇડ બ્રિજમાં ચાર વ્યૂઇંગ ગેલેરીઓ મુકાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કૌભાંડ કેસમાં આરોપીઓની મુશ્કેલી વધી
સિગ્નેચર બ્રિજનું કામ હવે તેના અંતિમ તબક્કામાં છે
ગુજરાતમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સર્જાઈ રહેલો અનન્ય નજરાણારૂપ સિગ્નેચર બ્રિજ તેના અંતિમ તબક્કામાં છે, હવે માંડ 9 ટકા જેટલી કામગીરી બાકી છે, મોટાભાગે આવતી દિવાળીએ નાગરિકો ખુલ્લો મુકાનારો આ પુલ સોમનાથ- દ્વારકા જતાં યાત્રાળુઓ માટે એક નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે. રાજ્યનો આ પહેલો કેબલ સ્ટેઇડ બ્રિજ સંપૂર્ણપણે કેન્દ્ર સહાયિત પ્રોજેક્ટ છે, જે એક હજાર કરોડ રૂપિયામાં પડશે.
બ્રિજમાં વચ્ચેના ભાગે ચાર જેટલી વ્યૂઇંગ ગેલેરીની સ્પેસ રખાઈ
આ બ્રિજની વિશેષતાઓ પ્રગટ કરતાં માર્ગ-મકાન વિભાગના સૂત્રો કહે છે કે, સામાન્ય રીતે કેબલ સ્ટેઇડ બ્રિજમાં તેના પાયલોન યાને થાંભલા સીધાસટ્ટ હોય છે, જ્યારે આ બ્રિજમાં આડાઅવડાં-કર્વેચર રખાયા છે. બ્રિજમાં વચ્ચેના ભાગે ચાર જેટલી વ્યૂઇંગ ગેલેરીની સ્પેસ રખાઈ છે, જ્યાં પ્રવાસીઓ ઊભા રહીને ઘુઘવતા અરબી સમુદ્રની ખાડીનો નજારો માણી શકશે. આમ સમગ્ર તથા આ બ્રિજની ડિઝાઇન આર્કિટેક્ચરલ અજાયબી માફક બનાવવાનો પ્રયાસ થયો છે અને એને કારણે જ બ્રિજને સિગ્નેચર બ્રિજનું નામ અપાયું છે.
આ બ્રિજનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે થયું હતું
ઑક્ટોબર-2017માં આ બ્રિજનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે થયું હતું, એટલે સ્વાભાવિક રીતે એનું ઉદ્ઘાટન પણ એમના દ્વારા જ કરાવવાનો રાજ્ય સરકારનો આગ્રહ રહેશે. કરોનાકાળને કારણે આ પ્રોજેક્ટ પૂરો થતાં છ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. આ ચાર લેન ધરાવતા બ્રિજમાં કેબલ સ્ટેઈડની લંબાઈ 900 મીટર છે. ઓખા તરફ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટરની અને બેટ દ્વારકા તરફ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટરની છે. આમ બ્રિજની કુલ લંબાઈ 2,320 મીટર છે. સુપર સ્ટ્રક્ચરમાં હવે કુલ 2,320 મીટરના કામ પૈકી 100 મીટરનું જ કામ બાકી છે.