રાજ્યમાં મહેસૂલ વિભાગના વહીવટથી સૌ કોઈ વાકેફ જ છે. છેલ્લા ઘણા સમયથી મહેસુલ અધિકારીઓને કેટલાક મહત્વના નિર્ણયો લેવાની સત્તા મળી ગઈ હોવાથી પોતાની મનમાની કરી રહ્યા હોય તેવો ગણગણાટ લોકોમાં શરૂ થયો છે. કેટલાક મહેસુલ અધિકારીઓ નાની નાની ભૂલો માટે સામાન્ય નાગરિકોને મોટા ધરમ ધક્કા માટે મજબૂર કરી રહ્યા છે.
આ પણ વાંચો : સિડનીમાં ક્વાડ મીટિંગ રદ| 15 ડેપ્યુટી કલેક્ટર સંવર્ગના અધિકારીઓની બદલી|અમદાવાદની લાઈફલાઈન બનશે મોંઘી
મળતી માહિતી મુજબ જમીનની લે-વેચના કિસ્સામાં કે પછી રહેણાંકના લે-વેચ કિસ્સામાં જ્યારે સમગ્ર મામલો આ મહેસુલ અધિકારીઓ પાસે પહોંચે છે ત્યારે નાની-મોટી ભૂલો કાઢી આ અધિકરીઓ ફક્ત મલાઈ ખાવાના હેતુથી નોંધ નામંજૂર કરતાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આવા કિસ્સામાં જ્યારે મહેસુલ અધિકારી નોંધ નામંજૂર કરે તે બાદ અરજદારને કાયદાકીય જોગવાઈ મુજબ અપીલ કરવી પડે છે. જેમાં અરજદારને મોટા ખર્ચ કરવાનો વારો આવે છે. જેમાં સમય પણ ઘણો વહી જતો હોય છે. પણ જો મહેસુલ અધિકારી જ્યારે નોંધ નામંજૂર કરે ત્યારે જો ત્યાં તેમણે મલાઈ પીરસી દેવામાં આવે તો આ ભ્રષ્ટ અધિકારીઓ મલાઈ લઈ કોઈ વાંધો કાઢ્યા વગર અરજદારની અરજીમાં નોંધ કરી દેતા હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે નવી જંત્રી લાગુ થયા બાદ નવા-જૂના દસ્તાવેજો સહિત જમીન વેચાણની કામગીરી પણ હાલ વધુ છે ત્યારે આવા મહેસુલ અધિકારીઓ આ તકનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. આ બાબતે મહેસુલ વિભાગના જાણકાર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે જે પ્રકારે હાલ અરજદાર હેરાન થઈ રહ્યો છે તે તદ્દન ખોટું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અરજદારને આવી નાની ભૂલો માટે નોંધ નામુંજાર ન કરવી જોઈએ. તેમણે નોંધ નામંજૂર કરવાને બદલે થોડો સમય આપી તેમા સુધારો કરવા તક આપવી જોઈએ જેથી અપીલ કરવાના ખર્ચ અને તેમા વેડફાતા લાંબા સમયમાંથી મુક્તિ મેળવી શકે. ઉલ્લેખનીય છે કે અપીલ કરવાના કિસ્સામાં સરકારને પણ કામનું ભારણ વધે છે. થોડા વર્ષ અગાઉ આ સમગ્ર પ્રક્રિયા આટલી જટિલ ન હતી. અગાઉના વર્ષોમાં અરજદારને નાના મોટા પ્રશ્નોના નિકાલ માટે સમય આપવામાં આવતો હતો જેથી તેણે અપીલ કરવા માટે ન જવું પડે. તો વાત રહેણાંક હેતુની કરવામાં આવે તો તેમાં પણ સરકારના 1/11/2018 ના પરિપત્ર મુજબ 25 વર્ષ બાદ નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની પણ સર્વ સત્તા સંબંધિત પ્રાંત અધિકારીની હોય છે ત્યારે આ અધિકારીઓ પર જાણે સરકારનું નિયંત્રણ જ ન હોય તેમ આ અધિકારીઓ અરજદારોને ખૂબ હેરાન કરી રહ્યા છે તો કેટલાક અરજદારો મજબૂરીમાં આવા અધિકારીઓને મલાઈ આપી પોતના કામ કરવી રહ્યા છે.