ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

રાષ્ટ્રપતિ ભવન ખાતે રવિવારે સાંજે 7.15 કલાકે યોજાશે શપથગ્રહણ

Text To Speech
  • નરેન્દ્ર મોદી લેશે વડાપ્રધાન પદના શપથ
  • મોદી ઉપરાંત કેટલાક નેતા પણ લઈ શકે છે મંત્રીપદના શપથ

નવી દિલ્હી, 7 જૂન : લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળ્યા બાદ નવી સરકાર રચવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં એનડીએમાં સામેલ પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પક્ષોએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સર્વાનુમતે સંમતી આપી દીધી છે, ત્યારે નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી, જેમાં રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. મોદી 9મી જૂન રવિવારે સાંજે 7.15 કલાકે શપથગ્રહણ કરશે. આ પહેલા શુક્રવારે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં નરેન્દ્ર મોદીને NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

પાંચ વર્ષ મહેનત કરીશું: નરેન્દ્ર મોદી

રાષ્ટ્રપતિ દ્વારા સરકાર રચવાનું આમંત્રણ મળ્યા બાદ મોદીએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું હતું, કે ‘હું આ અવસર માટે દેશનો આભાર પ્રગટ કરું છું. હું દેશવાસીઓને વિશ્વાસ આપવું છું કે 18મી લોકસભાના પાંચ વર્ષના કાર્યકાળમાં અમે ગતિ અને સમર્પણભાવથી દેશની આશા અને અપેક્ષા પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.’

જે.પી.નડ્ડાના નિવાસસ્થાને મહારાષ્ટ્રના નેતાઓની બેઠક

આ પહેલા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને મહારાષ્ટ્રના એનડીએ નેતાઓને ધડાધડ બેઠકો યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારની નવી કેબિનેટમાં એનસીપીના એક મંત્રીને મંત્રીપદ આપવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, પ્રફુલ પટેલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી વડા અજિત પવાર ઉપસ્થિત રહ્યા હતા.

એનડીએ ડેલિગેશને રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

મોદીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પહેલા એનડીએ ડેલિગેશને રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ ડેલિગેશનમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતીશ કુમાર, એકનાથ શિંદે સહિત તમામ નેતાઓ સામેલ હતા.

Back to top button