દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાં પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 20,044 કેસ નોંધાયા હતા. વધુ 56નાં મોત થયા હતા. એ સાથે જ કુલ મૃત્યુઆંક 5,25,660 થયો હતો. કોરોના વેક્સિનના ડોઝનો આંકડો પણ 200 કરોડની નજીક પહોંચી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે કોરોનાના નવા 20,044 કેસ નોંધાયા હતા. સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 20 હજાર નોંધાયા છે. છેલ્લાં એક સપ્તાહમાં દરરોજ 15 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કુલ 4,37,30,071 કેસ નોંધાઈ ચૂક્યા છે. એક્ટિવ કેસ વધીને 1.40 લાખને પાર પહોંચ્યા છે.
બીજી તરફ હેલ્થ મંત્રાલયે રસીકરણના આંકડાં પણ જાહેર કર્યા હતા. દેશમાં કોરોના વેક્સિનના ડોઝનો આંકડો 200 કરોડની નજીક પહોંચી ગયો છે. 199.71 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. એમાંથી 18 થી 59 વર્ષના વયજૂથના એક કરોડ કરતાં વધુને પ્રિકોશન ડોઝ પણ અપાયો છે. તે સિવાય 60 વર્ષ કરતાં વધુની વય ધરાવતા 2.81 કરોડને બૂસ્ટર ડોઝ અપાયો છે. 12થી 14 વયના બાળકોને 3.79 કરોડ ડોઝ મળ્યા છે. 15 થી 18 વર્ષની વયજૂથના 6.08 કરોડને વેક્સિન અપાઈ છે.
India counting down to 2 Billion doses of the #COVID19 vaccine; around 1.63 lakh more doses to go to touch the milestone.
(Pic: CoWIN website) pic.twitter.com/pmdDdsWJYi
— ANI (@ANI) July 17, 2022
પૂર્વ અને દક્ષિણ એશિયાના વેક્સિનેશન મિશનની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પ્રશંસા કરી હતી. WHOના રિજનલ ડિરેક્ટર ડા. પૂનમ સિંહે જણાવ્યું હતું કે આ આખા ક્ષેત્રમાં 300 કરોડ કરતા વધુ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. એમાંથી 200 કરોડ તો એકલા ભારતમાં અપાઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) આ વેક્સિનેશન મિશનને ખૂબ જ મહત્વનો પ્રયાસ ગણાવ્યો હતો. ભારતની ટીકાકરણની ઝડપને Who એ સરાહનીય ગણાવી હતી.