NEETનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, પરીક્ષા રદ કરવાની કરી માંગ
- NEET પરીક્ષા ફરી એકવાર વિવાદમાં
- NEET પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવા બદલ NTA સામે વિરોધ વધ્યો
દિલ્હી, 10 જૂન: NEET પરીક્ષામાં ગ્રેસ માર્કસ આપવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અરજી સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ હવે તે સુપ્રીમ કોર્ટમાં પણ દાખલ કરવામાં આવી છે. અરજીમાં 1 હજાર 563 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. NTA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર વ્યક્તિનું નામ જરીપતે કાર્તિક છે. કાર્તિક આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને તેણે આ વખતે NEETની પરીક્ષાનો ઉમેદવાર હતો.
કાર્તિકે અરજીમાં શું કરી વિનંતી?
કાર્તિકે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને વહેલી સુનાવણીની વિનંતી કરી છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે NTA પાસેથી આ મુદ્દે જવાબ માંગ્યો હતો. આ સમગ્ર વિવાદ પર દિલ્હી હાઈકોર્ટમાં 12 જૂને સુનાવણી થવાની છે. જરીપત કાર્તિક ઉપરાંત આંધ્રપ્રદેશના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને અન્ય લોકોએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં 5 મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરીને નવેસરથી આયોજિત કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં આ સમગ્ર મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે, આ સિવાય અરજીમાં વર્તમાન પરિણામોના આધારે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે.
NTAએ આરોપો પર શું કહ્યું?
વધતા વિવાદને જોતા NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેરાત કરી છે કે શિક્ષણ મંત્રાલયે ચાર સભ્યોની પેનલની રચના કરી છે. આ પેનલ NTAના નિર્ણયોની ટીકાને નવેસરથી તપાસશે. NTAએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. NTAનું કહેવું છે કે તેણે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં ઓછા સમયના બદલામાં ગ્રેસ માર્કસ આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય NTA એ કેટલાક કારણો પણ ગણાવ્યા છે.
ઘણા રાજકીય પક્ષોએ મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી આ પરીક્ષાની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવતા NTA અંગેનો આ વિવાદ વધુ વધ્યો હતો. આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ વિશેષ તપાસ સમિતિ બનાવવાની માંગ કરી છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે અને તેને ભારતની પરીક્ષા પ્રણાલીનો ભાગ ગણાવ્યો છે.
આ પણ વાંચો: 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત, ક્યારે મતદાન?