નેવીમાં 20% મહિલા અગ્નિવીર હશે, જાણો ત્રણેય સેનામાં હાલ મહિલાઓની સંખ્યા કેટલી?
ચાર વર્ષ માટે સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી ‘અગ્નિપથ સ્કીમ’માં પણ મહિલાઓની ભરતી કરવામાં આવશે. આ વર્ષે નેવીમાં 3 હજાર ‘અગ્નિવીર’ની ભરતી કરવામાં આવશે. તેમાંથી 20% એટલે કે લગભગ 600 મહિલાઓ અગ્નિવીર હશે. અગ્નિપથ યોજના હેઠળ સેનામાં સામેલ થનારાઓને અગ્નિવીર કહેવામાં આવશે.
અગ્નિવીરોની પ્રથમ બેચ આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થશે
અગ્નિપથ યોજનાની જાહેરાત રક્ષા મંત્રી રાજનાથ સિંહે 14 જૂને કરી હતી. આ યોજના હેઠળ 17.5 થી 21 વર્ષના યુવાનોને ચાર વર્ષ માટે ત્રણેય સેનાઓમાં ભરતી કરવામાં આવશે. જોકે, આ વર્ષે 23 વર્ષ સુધીના યુવાનોને છૂટછાટ આપવામાં આવી છે. ચાર વર્ષ પછી, આ અગ્નિવીરોમાંથી 25% સેનામાં રહેશે અને બાકીનાને સેવામુક્ત કરવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ આ વર્ષે ત્રણેય સેવાઓમાં 46 હજાર યુવાનોની ભરતી કરવામાં આવશે. જેમાંથી 40 હજાર યુવાનો આર્મીમાં ભરતી થશે. યોજના હેઠળ યુવાનોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અગ્નિવીરોની પ્રથમ બેચ પણ આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થશે.
વાંચોઃ દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે અગ્નિવિરો માટે નોકરીની જાહેરાત
નેવીમાં 20 ટકા મહિલાઓ હશે
આ દરમિયાન નેવીના એક અધિકારીએ કહ્યું છે કે આ વર્ષે 3,000 અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે, જેમાંથી 20 ટકા મહિલાઓ હશે. વર્ષ 1992 સુધી ત્રણેય સેવાઓમાં માત્ર મેડિકલ કોર્પ્સમાં મહિલાઓની ભરતી કરવામાં આવતી હતી. પરંતુ, જુલાઈ 1992થી, સેનાની કેટલીક શાખાઓમાં શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસર તરીકે મહિલાઓની ભરતી શરૂ કરવામાં આવી. શોર્ટ સર્વિસ કમિશન હેઠળ મહિલાઓ 10 કે 14 વર્ષ સેનામાં ફરજ બજાવતી હતી અને પછી તેમને નિવૃત્ત કરવામાં આવતી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે મહિલાઓને પણ પુરૂષોની જેમ કાયમી કમિશન આપવામાં આવશે.
સૈન્યમાં મહિલાઓની સારી ભાગીદારીની માંગ વારંવાર ઉભી થાય છે. હાલ તો ત્રણેય સેનામાં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. ત્રણેય સેવાઓમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ નૌકાદળમાં છે.
ત્રણેય સેનામાં કેટલી મહિલાઓ છે?
ત્રણેય સેનામાં કેટલી મહિલાઓ છે? આ માટે કોઈ તાજેતરનો આંકડો નથી. ગયા વર્ષે 8 ફેબ્રુઆરીએ સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે રાજ્યસભામાં ત્રણેય સેવાઓમાં મહિલાઓના હિસ્સાના આંકડા આપ્યા હતા.
- રાજ્યસભામાં આપેલા જવાબમાં તેમણે કહ્યું હતું કે નેવીમાં ત્રણેય સેવાઓમાં સૌથી વધુ મહિલાઓ છે. નેવીમાં 6.5% મહિલાઓ છે. જવાબમાં કહેવામાં આવ્યું હતું કે નેવીમાં 10 હજાર 108 પુરૂષો અને 704 મહિલાઓ છે. આ આંકડા મહિલા અધિકારીઓના હતા, કારણ કે હાલમાં મહિલાઓને નેવીમાં ઓફિસર લેવલ પર સામેલ કરવામાં આવે છે.
- તેવી જ રીતે આર્મીમાં 12.18 લાખથી વધુ પુરૂષો અને 6 હજાર 807 મહિલાઓ છે. આ દૃષ્ટિએ આર્મીમાં મહિલાઓની ભાગીદારી માત્ર 0.56% છે. એરફોર્સમાં 1.46 લાખ પુરૂષો અને 1 હજાર 607 મહિલાઓ છે. એરફોર્સમાં મહિલાઓનો હિસ્સો માત્ર 1 ટકાથી વધુ છે.
- આ ઉપરાંત આ વર્ષે 28 માર્ચે રાજ્યસભામાં સંરક્ષણ રાજ્ય મંત્રીએ ત્રણેય સેવાઓની તબીબી સેવાઓમાં સામેલ મહિલાઓની સંખ્યાની વિગતો પણ આપી હતી. રાજ્યસભામાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ત્રણેય સેવાઓમાં સાડા 6 હજાર મહિલાઓ તબીબી સેવાઓ સાથે સંકળાયેલી છે. તેમાંથી 1,666 મહિલાઓ આર્મી મેડિકલ કોર્પ્સ (AMC)માં, 189 આર્મી ડેન્ટલ કોર્પ્સ (ADC)માં અને 4,734 મિલિટ્રી નર્સિંગ સર્વિસીસ (MNS)માં છે.
કેટલી મહિલાઓને કાયમી કમિશન મળ્યું?
અગાઉ મહિલાઓને સેનામાં શોર્ટ સર્વિસ કમિશન પર ભરતી કરવામાં આવતી હતી. આ અંતર્ગત મહિલાઓ 10 કે 14 વર્ષ સુધી સેનામાં સેવા આપી શકતી હતી. મહિલાઓને પરમેનન્ટ કમિશન માટે અરજી કરવાની તક મળતી ન હતી. કાયમી કમિશન માટે માત્ર પુરુષો જ અરજી કરી શકતા હતા. એટલું જ નહીં મહિલાઓ શોર્ટ સર્વિસ કમિશનમાં સેવા આપીને નિવૃત્ત થયા બાદ તેમને પેન્શન પણ મળતું ન હતું.
બે વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે મહિલાઓને પણ કાયમી કમિશન આપવાનો નિર્ણય આપ્યો છે. આ પછી હવે મહિલાઓ પણ પુરૂષોની જેમ કાયમી કમિશન માટે અરજી કરી શકશે અને ઓફિસર બની શકશે. કાયમી કમિશનમાંથી નિવૃત્તિ પછી તેઓ પેન્શનના પણ હક્કદાર રહેશે.
સરકાર મહિલાઓને કાયમી કમિશન આપવાના પક્ષમાં ન હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ હવે સેનામાં મહિલાઓને પણ કાયમી કમિશન આપવામાં આવી રહ્યું છે. 28 માર્ચે રાજ્યસભામાં આપેલા જવાબમાં સરકારે ત્રણેય સેવાઓમાં મહિલાઓની સંખ્યા જણાવી હતી જેમને કાયમી કમિશન આપવામાં આવ્યું હતું. જે મુજબ 685 મહિલાઓને આર્મીમાં, 381ને એરફોર્સમાં અને 49 મહિલાઓને નેવીમાં કાયમી કમિશન આપવામાં આવ્યું છે.
પેરા મિલિટરી ફોર્સમાં કેટલી મહિલાઓ છે?
અર્ધલશ્કરી દળોમાં પણ મહિલાઓની હિસ્સેદારી વધારવાની માંગ ઘણી વખત થાય છે.
- 29 માર્ચે લોકસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે માહિતી આપી હતી કે CRPF અને CISFમાં કોન્સ્ટેબલ સ્તરની 33% જગ્યાઓ મહિલાઓ માટે આરક્ષિત હોવી જોઈએ તેવો નિર્ણય લેવાયો છે.
- તેમને એમ પણ કહ્યું હતું કે આ બે સિવાય BSF, SSB અને ITBPમાં કોન્સ્ટેબલ સ્તરે 14 થી 15 ટકા પોસ્ટ પણ મહિલાઓ માટે આરક્ષિત હશે. જો કે હાલ અર્ધસૈનિક દળમાં મહિલાઓની ભાગીદારી માત્ર 3.68% છે.
- લોકસભામાં સરકારે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર 2021 સુધીમાં અર્ધસૈનિક દળમાં 10 લાખથી વધુ પદ હતા, જેમાંથી 9.30 લાખ પદ ભરાયેલા હતા. જેમાંથી માત્ર 34 હજાર 222 જ મહિલાઓ હતી.
પોલીસમાં કેટલી મહિલાઓ?
પોલીસ એ રાજ્યનો વિષય છે અને ભરતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે 29 માર્ચે ગૃહ મંત્રાલયે માહિતી આપી હતી કે પોલીસમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારે અનેક વખત રાજ્ય સરકારોને એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્ર સરકારે પોલીસ દળોમાં 33% મહિલાઓની ભરતી કરવાની સલાહ આપી છે.
જો કે, બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD)ના ડેટા અનુસાર, 1 ડિસેમ્બર 2020ના રોજ દેશભરમાં 20.91 લાખ પોલીસકર્મીઓ હતા, જેમાંથી 2.15 લાખ મહિલાઓ હતી. આ દૃષ્ટિએ પોલીસ દળોમાં મહિલાઓની સંખ્યા માત્ર 10.3% છે.
બિહાર સિવાય એક પણ રાજ્ય એવું નથી જ્યાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા 20%થી વધુ હોય. બિહારમાં 25% થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ છે.