T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

જ્યાં ગઈકાલે ભારતે યુએસએને હરાવ્યું ત્યાં આજે બુલડોઝર ફરી વળશે!

13 જૂન, ન્યૂયોર્ક: ગઈકાલે ICC T20 World Cup 2024ની એક મહત્વની મેચમાં ભારતે સહ-યજમાન યુએસએને 7 વિકેટે હરાવી દીધું હતું. આ જીત સાથે ભારત Super 8s રાઉન્ડમાં પહોંચી ગયું છે. પરંતુ આ બધું થયા બાદ વક્રતા એવી છે કે જ્યાં ગઈકાલે ભારતે યુએસએને હરાવ્યું હતું ત્યાં આજે બુલડોઝર ફરી વળવાના છે. આશ્ચર્ય થયું ને? ચાલો તો આપણે જાણીએ કારણો.

ભારત આ વર્લ્ડ કપની અત્યારસુધી તેની ત્રણેય મેચો અનુક્રમે આયરલેન્ડ, પાકિસ્તાન અને યુએસએ સામે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમ્યું છે અને જીત્યું છે. હજી ગઈકાલે જ ભારતે યુએસએને હરાવ્યું અને આજે આ ગ્રાઉન્ડ ઉપર બુલડોઝર પહોંચી ગયા હોવાનો વિડીયો પણ સામે આવી ગયો છે.

વાત એવી છે કે ન્યૂયોર્કનું આ સ્ટેડિયમ એક કામચલાઉ બાંધકામ જ હતું જે ખાસ આ વર્લ્ડ કપ માટે ઉભું કરવામાં આવ્યું હતું. હજી આ વર્ષના ફેબ્રુઆરી સુધી અહીં બરફનું સામ્રાજ્ય હતું, ત્યારબાદ ધીમેધીમે અહીં ઉનાળાની શરૂઆત થઇ અને ફક્ત બે થી ત્રણ મહિનામાં જ આ સમગ્ર માળખું તૈયાર કરી દેવામાં આવ્યું હતું.

માળખું તૈયાર કરવામાં લોખંડના સ્ટેન્ડ જ્યાં દર્શકો બેસીને મેચની મજા માણી શકે, આર્ટીફીશીયલ આઉટ ફિલ્ડ અને પીચ સામેલ હતા. સામાન્ય રીતે જે-તે સ્થળની જમીન ઉપર જ ક્રિકેટની પીચો તૈયાર કરવામાં આવે છે પરંતુ નાસાઉમાં એ શક્ય ન હતું કારણકે હજી થોડા મહીના પહેલાં તો અહીં બરફ પડ્યો હતો.

આથી ઓસ્ટ્રેલિયાના એડિલેડથી ખાસ પીચ બનાવડાવીને અહીં એક જહાજ દ્વારા મોકલવામાં આવી હતી અને તેને ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. આ જ કારણો હતા જેણે આ પીચ પર બેટ્સમેનોને  100 રન્સ બનાવવામાં પણ સંઘર્ષ કરતા કરી દીધા હતા. ઉપરાંત આઉટ ફિલ્ડ પણ એટલું ધીમું હતું કે બેટ્સમેનોને તેમના શોટ્સની યોગ્ય કિંમત નહોતી મળતી.

આઉટ ફિલ્ડ ધીમું હોવા ઉપરાંત નીચે ધૂળ હતી આથી ફિલ્ડરો ડાઈવ મારતા કે પછી સ્લાઈડ કરતાં અચકાતા હતા, કારણકે એમ કરવાથી તેમના ઈજાગ્રસ્ત થવાનો ભય હતો.

ઉપરોક્ત કારણોસર અમેરિકામાં પહેલીવાર વર્લ્ડ કપ ક્રિકેટ રમાડવાનો જે ઉત્સાહ હતો તે ધીમેધીમે પૂરો થઇ ગયો હતો. જે-જે ટીમોએ અહીં મેચ રમી હતી તેમણે પણ પોતપોતાની છેલ્લી મેચો રમીને હાશકારો અનુભવ્યો હતો.

ગઈકાલે ભારત અને યુએસએની મેચ આ ગ્રાઉન્ડ પરની છેલ્લી મેચ હતી એટલે કાઉન્ટીની કાઉન્સિલ સાથેના કોન્ટ્રેક્ટ પ્રમાણે ગઈકાલે સાંજથી જ અહીં બુલડોઝરો આવી ગયા હતા જે આજે બધું જ સમથળ કરવાનું કાર્ય શરુ કરી દેશે.

Back to top button