ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ચીનમાં ફેલાતો રહસ્યમય રોગ ભારત માટે ખતરનાક બની શકે છે ?

  • ચીનમાં કોરોના પછી ફરી આવ્યો નવો રોગ, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધાયો વધારો. 
  • ચીનમાં ફેલાઈ રહેલી બીમારીએ ફરી વધારી તમામ દેશોની ચિંતા.

નવી દિલ્હી, 25 નવેમ્બર: કોરોના રોગચાળાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું ત્યારે ફરી ચીનમાંથી જ નવો રોગ આવવાનો ડર દરેક દેશોને લાગી રહ્યો છે. ચીનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત લિયાઓનિંગ પ્રાંતના બાળકોમાં આ રહસ્યમય રોગ ન્યૂમોનિયાના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમ કે ફેફસામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ તેમજ ઉધરસ અને તાવ.

આ રોગનો પ્રકોપ એટલો ગંભીર છે કે સરકારે અહીંની શાળાઓ બંધ કરવાની તૈયારી કરી લીધી છે. આ રોગના લક્ષણો ન્યુમોનિયા જેવા જ છે પરંતુ તેના કેટલાક લક્ષણો ન્યૂમોનિયાથી સંપૂર્ણપણે અલગ છે. WHOએ પણ આ રોગને લઈને ચેતવણી જાહેર કરી છે.

ભારત પર ખતરનાક ન્યૂમોનિયા વાયરસની અસર?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ભારતમાં આ વાયરસ ફેલાવાનું જોખમ ઘણું ઓછું છે. તેમ છતાં મંત્રાલય આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. મંત્રાલયના એક નિવેદન અનુસાર, ‘ભારત એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ તેમજ ચીનમાંથી નોંધાયેલા શ્વસન રોગના ક્લસ્ટરથી ઓછું જોખમ ધરાવે છે.’ આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારત ચીનમાં ફેલાતા આ ખતરનાક વાયરસથી ઉદ્ભવતી કોઈપણ ઈમરજન્સી માટે તૈયાર છે.

 

ચીનમાં સતત વધી રહેલા ન્યૂમોનિયાના કેસને લઈને કેન્દ્રીય આરોગ્યમંત્રીનું નિવેદન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ચીનમાં સતત વધી રહેલા ન્યૂમોનિયાના કેસને લઈને મહેસાણામાં નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ પર સરકાર ધ્યાન આપી રહી છે. ચાઇનામાં ન્યૂમોનિયા ફેલાઈ રહ્યો છે જેને લઇને જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, ભારતમાં 5 રસીઓ વિકસિત કરાઈ છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે, દેશની જરૂરિયાતો પૂરી કરીને રસી એક્સ્પોર્ટ પણ કરાઈ રહી છે.

આ વાયરસ શું છે?

ન્યૂમોનિયા એ તમારા ફેફસામાં બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગના કારણે થતો ચેપ છે. ન્યૂમોનિયાને કારણે તમારા ફેફસાના પેશીઓમાં સોજો આવે છે અને તમારા ફેફસાંમાં પ્રવાહી અથવા પરુ જમા થવાનું કારણ બની શકે છે. બાળકો અને વૃદ્ધોને આ ચેપનો વધુ સામનો કરવો પડે છે અને તેના કારણે મૃત્યુનું જોખમ રહેલું છે. ન્યુમોનિયાના લક્ષણો હળવાથી ગંભીર સુધીના હોઈ શકે છે. 2022 માં WHO ના રિપોર્ટ અનુસાર એશિયન અને આફ્રિકન દેશોમાં આ ચેપને કારણે મૃત્યુની સંખ્યા ઘણી વધારે છે.

ચીનમાં ફેલાતો આ રોગ ન્યૂમોનિયાથી અલગ કેમ છે?

જો આપણે ન્યુમોનિયાના સામાન્ય લક્ષણો વિશે વાત કરીએ તો તેમાં કફ સાથે અથવા કપ વગરની ઉધરસ, તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. પરંતુ જો આપણે ચીનમાં ફેલાયેલા આ રહસ્યમય ન્યુમોનિયા વિશે વાત કરીએ તો તેના લક્ષણોમાં ખાંસી વગરનો તાવ અને ફેફસામાં સોજો આવે છે. એન્ટિબાયોટિક્સ, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ દવાઓની મદદથીન્યૂમોનિયાની સારવાર કરી શકાય છે. વ્યક્તિને આ ચેપમાંથી સાજા થવામાં થોડા અઠવાડિયાથી એક મહિનાનો સમય લાગી શકે છે.

  • આ ગંભીર ચેપ પીડિતના ફેફસાં પર હુમલો કરે છે. તે એટલું ખતરનાક છે કે ન્યુમોનિયાથી પીડિત બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે.

WHO વિશે શું?

WHOએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચીને 13 નવેમ્બર 2023ના રોજ સ્થાનિક મીડિયાને આ રોગ વિશે જણાવ્યું હતું. આરોગ્ય એજન્સીએ ચીનને આ રોગથી સંબંધિત મામલા પર નજીકથી નજર રાખવા માટે પણ કહ્યું છે. આ ઉપરાંત WHOએ ચીનને આ રોગ વિશે વધુ માહિતી આપવા માટે પણ કહ્યું છે.

WHO ની માર્ગદર્શિકા શું છે?

WHOએ ચીનમાં ફેલાતા આ ખતરનાક ન્યૂમોનિયા વાયરસને લઈને કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા અને શરીરમાં કોઈ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યું છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને માસ્કનો ઉપયોગ વધારવાનું કહેવામાં આવ્યું છે.

આવા કિસ્સા ચીનમાંથી જ કેમ સામે આવે છે?

આપણે એમ કહીએ કે નવી બીમારી કે નવો રોગ ચીનમાંથી જ આવે છે, તો એ જરાય ખોટુ નથી. કેમ કે કોરોના મહામારી તેનું તાજુ ઉદાહરણ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીનને લગતા અહેવાલો અનુસાર, ચીનના બજારોમાં કાચું અથવા અધૂરું માંસ મોટી માત્રામાં વેચાય છે, જેમાં સાપ અને ચામાચીડિયા પણ જોવા મળે છે. ચીન સિવાય થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા જેવા ઘણા એશિયાઈ દેશોમાં પણ જીવંત પ્રાણીઓ વેચાય છે. આવી જગ્યાઓ પર પ્રાણીઓને એકસાથે રાખવામાં આવે છે જેના કારણે કોઈપણ વાયરસ સરળતાથી અન્ય પ્રાણીઓમાં અને પછી માણસોમાં ફેલાય છે.

આ પણ વાંચો: સંજય રાઉતના ‘હિટલર’ નિવેદન પર ઇઝરાયેલ ગુસ્સે, MEAને પત્ર લખ્યો

Back to top button