બનાસકાંઠા : ડીસામાં અસંતુષ્ટ સભ્યોની ગેરહાજરી વચ્ચે પાલિકા પ્રમુખે ચાર્જ સંભાળ્યો
બનાસકાંઠા : બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં ભાજપમાં અસંતોષ હજુ પણ યથાવત છે.આજે નગરપાલિકામાં મહિલા પ્રમુખે ચાર્જ સંભાળતાજ ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન સહિત સહિત અનેક સભ્યો ગેરહાજર રહેતા જૂથવાદ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
ડીસા નગરપાલિકામાં ભાજપમાં ભારે જુથવાદ ચાલી રહ્યો છે જેમાં અગાઉ બે જૂથ વચ્ચેની સ્પર્ધામાં ચાર દિવસ અગાઉ પાર્ટીએ પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવેને મેન્ડેડ આપતા વિરોધી જૂથ નારાજ થયું હતું. અને ઉપપ્રમુખ સહિત 12 ભાજપના અને 2 અપક્ષ સહિત કુલ 14 સભ્યો તરત જ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને રજૂઆત કરવા પહોંચ્યા હતા જો કે તે સમયે જિલ્લા પ્રમુખ સહિત આગેવાનોએ સભ્યોને સમજાવતા મામલો શાંત પડ્યો હતો. પરંતુ પાર્ટી એ ત્યારબાદ કોઈ જ સંતોષકારક કાર્યવાહી ન કરતા ફરી આજે નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખે ચાર્જ સંભાળતા ફરી જુથવાદ જોવા મળ્યો હતો
આજે 12.39 ના વિજય મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન દવેએ ચાર્જ સંભાળ્યો હતો જેમાં માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત શહેર સંગઠનના હોદેદારો અને શુભેચ્છકોએ હાજરી આપી નવ નિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ વિરોધી જૂથના અનેક સભ્યો પ્રમુખની તાજપોષી કાર્યક્રમમાં દેખાયા હતા. જેમાં ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોર, કારોબારી ચેરમેન ગોવિંદભાઈ માખીજા સહિત લગભગ 14 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે ડીસા નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે શહેરની પ્રગતિ વિકાસના કામોને પ્રાધાન્ય આપશે.જ્યારે સભ્યો કોઈ કારણોસર હાજર રહી શક્યા નથી પરંતુ એવું કંઈજ નથી બધા સાથેજ છીએ તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ધોધમાર વરસાદની આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ