અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલમનોરંજન

‘હનુમાન’ ફિલ્મે સિનેમાઘરોમાં મચાવી ધૂમ, 4 દિવસમાં ફટકારી અડધી સદી

  • તેલુગુ એક્ટર તેજ સજ્જાની ફિલ્મ ‘હનુમાન’ ચાર જ દિવસમાં લોકોની બની ફેવરિટ ફિલ્મ 
  • ફિલ્મને દર્શકોનો એટલો બધો પ્રેમ મળી રહ્યો છે કે ઘણા લોકેશન પર સિનેમાઘરોમાં સીટ મેળવવી મુશ્કેલ

નવી દિલ્હી, 16 ડિસેમ્બર : તેલુગુ એક્ટર તેજ સજ્જાની ફિલ્મ ‘હનુમાન’ લોકોની ફેવરિટ ફિલ્મ બની ગઈ છે. શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મનું બજેટ બહુ મોટું નથી કે તેમાં કોઈ મોટો સુપરસ્ટાર નથી. પરંતુ પ્રથમ પોસ્ટરથી જ લોકોમાં રસ જગાવનારી આ ફિલ્મે સિનેમાઘરોમાં જે વાતાવરણ સર્જ્યું છે તેની કોઈએ અપેક્ષા રાખી ન હતી. આ ફિલ્મે શુક્રવારે-8.05, શનિવારે-12.45, રવિવારે-16 અને સોમવારે વર્કિંગ ડે પર 14.50 કરોડ રૂપિયાની કમાણી કરી અડધી સદી ફટકારી છે. રિલીઝ અગાઉ ફિલ્મે તેલુગુમાં પેઇડ પ્રિવ્યૂથી રૂ. 4.15 કરોડની કમાણી કરી હતી. ફિલ્મને દર્શકોનો એટલો બધો પ્રેમ મળી રહ્યો છે કે ઘણા લોકેશન પર સિનેમાઘરોમાં સીટ મેળવવી મુશ્કેલ બની રહી છે.

મર્યાદિત બજેટમાં બનેલી ‘હનુમાન’ના સ્પેશિયલ ઈફેક્ટ્સ અને વિઝ્યુઅલના વખાણ થઈ રહ્યા છે. પૌરાણિક કથાઓ પર આધારિત આ સુપરહીરો ફિલ્મ પારિવારિક દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ઓરિજિનલ તેલુગુ વર્ઝનની સાથે ‘હનુમાન’ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ થઈ છે. તેલુગુની સાથે આ ફિલ્મનું હિન્દી વર્ઝન પણ ઘણી કમાણી કરી રહ્યું છે. ‘હનુમાન’નો ક્રેઝ એવો છે કે સોલિડ વીકએન્ડ પછી સોમવારે પણ ફિલ્મે સારી કમાણી કરી છે.

હનુમાને શુક્રવારની સરખામણીમાં સોમવારે વધુ સારી કમાણી કરી

‘હનુમાન’ ફિલ્મ કે જેણે તેની રિલીઝ પહેલા જ તેલુગુમાં પેઇડ પ્રિવ્યૂઝથી રૂ. 4.15 કરોડની કમાણી કરી હતી, તેને શુક્રવારે બોક્સ ઓફિસ પર રૂ. 8.05 કરોડ સાથે બમ્પર ઓપનિંગ કર્યું હતું. જેમાં હિન્દી વર્ઝનથી ફિલ્મની કમાણીનો હિસ્સો 2.1 કરોડ રૂપિયાનો હતો. પરંતુ શનિવાર અને રવિવારે તેના કલેક્શનમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો. બીજા દિવસે 12.45 કરોડ અને ત્રીજા દિવસે 16 કરોડ રૂપિયાની કમાણી સાથે ‘હનુમાન’ ફિલ્મે પ્રથમ સપ્તાહના અંતે 40 કરોડ રૂપિયાથી વધુનું કુલ નેટ કલેક્શન કર્યું હતું.

વીકએન્ડ પછી કામકાજના દિવસોમાં ફિલ્મોની કમાણીમાં 50% સુધીનો ઘટાડો સામાન્ય બાબત છે. પરંતુ ટ્રેડ રિપોર્ટ્સ કહી રહ્યા છે કે, ‘હનુમાન’ ફિલ્મે સોમવારે પણ એક અલગ ચમત્કાર દેખાડ્યો છે. સેકનિલ્કના જણાવ્યા અનુસાર, કામકાજનો દિવસ હોવા છતાં, ફિલ્મે ચોથા દિવસે લગભગ 14.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે ફિલ્મે ચોથા દિવસે એટલું કલેક્શન કર્યું નથી જેટલું પહેલા કે બીજા દિવસે કર્યું હતું. રવિવારની સરખામણીમાં ફિલ્મની કમાણીમાં 10 ટકા પણ ઘટાડો થયો નથી. હવે 4 દિવસમાં હનુમાન ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર અડધી સદી ફટકારી છે અને 55 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.

હિન્દીમાં મોટી કમાણી કરનારી ફિલ્મ

‘હનુમાન’ ફિલ્મના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 2.1 કરોડની કમાણી સાથે ઓપનિંગ કર્યું હતું. પરંતુ દરેક નવા દિવસ સાથે તેની કમાણીમાં હિન્દી વર્ઝનનો હિસ્સો વધી રહ્યો છે. પ્રથમ સપ્તાહમાં, ‘હનુમાન’ના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર 12 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સોમવારના રૂ. 14.50 કરોડમાંથી, ફિલ્મના હિન્દી વર્ઝનનો હિસ્સો રૂ. 5 કરોડની નજીક છે. એટલે કે ‘હનુમાન’એ અત્યાર સુધીમાં 4 દિવસમાં હિન્દીમાં લગભગ 17 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હિન્દી ફિલ્મોનો ટ્રેન્ડ ખૂબ જ મજબૂત થઈ રહ્યો છે અને બોલિવૂડમાંથી કોઈ મજબૂત સ્પર્ધાના અભાવે, ઉત્તર ભારતમાં ‘હનુમાન’ માટે ભારે નફો કમાવવાની તક છે.

આ પણ જુઓ :વિજય દેવરાકોંડાએ પરિવાર સાથે કરી મકરસંક્રાંતિની ઉજવણી, રશ્મિકાએ શેર કર્યા ફોટો

Back to top button